મુંબઈ,તા.15 મે 2019, બુધવાર
મુંબઈની કેપ્ટન આરોહી પંડિતે (૨૩) લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી એટલાંટિક મહાસાગર પાર કરી ઈતિહાસ સર્જ્યો છે. અને એટલાંટિક મહાસાગર પાર કરનારી વિશ્વની સૌપ્રથમ મહિલાનું માન જીત્યું છે. મિનિ બસ જેટલા નાના 'માહી' વિમાનથી ૩૦૦૦ કિલોમીટરની હવાઈયાત્રા તેણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
બોમ્બે ફ્લાયિંગ ક્લબમાં પાઈલોટનું પ્રશિક્ષણ મેળવનારી આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી યુકેના સ્ટોકલેંડથી ઉડાન ભરી હતી . આ હવાઈયાત્રા દરમ્યાન તેણે આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ આ બે સ્થળે વિરામ લીધો હતો. અને વિવિધ પરિસ્થિતિનો સામનો કરી તેણે ૩૦૦૦ કિલોમીટરની હવાઈયાત્રા 'માહી' નામના નાના વિમાનમાં પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેણે કેનેડાના ઈકાલુઈટ હવાઈમથક પર લેંડિંગ કર્યું હતું હવે આરોહી ૯૦ દિવસમાં ૨૩ દેશની મુલાકાત લેશે.
આ સફળતા બાદ આરોહીએ કહ્યું કે આ તક આપવા બદલ હું દેશની આભારી છું એટલાંટિક મહાસાગર પાર કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભૂત હતો. નીચે બરફ સમાન ભાસતો સમુદ્ર, ઉપર નીલુ ગગન અને વચ્ચે નાની અમથી હું અને નાનું વિમાન. આરોહીએ કહ્યું જો મહિલા દ્દઢ નિશ્ચયથી એટલાંટિક મહાસાગર પાર કરવાનો નિશ્ચય કરે તો કોઈપણ મહિલા આ કાર્ય કરી જ શકશે.
ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહકાર્યથી ચાલતી મહિલા સશક્તિકરણ ઝુંબેશ હેઠળ ત્રણ તબક્કામાં એરક્રાફ્ટની મદદથી વિશ્વભરનો પ્રવાસ કરી 'બેટી બચાવો બેટી પઢાઓ' આ સંદેશ અપાશે. આરોહીએ તેનો વિશ્વવિક્રમ આ જ ઝુંબેશ અંતર્ગત બનાવ્યો છે. તેના આ વિશ્વવિક્રમ બાદ હાલ તો તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HlSqMW
via Latest Gujarati News
0 Comments