અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સુરક્ષાનું કારણ આપી ચીનની ટેલિકોમ કંપની હુઆવેઇને બ્લેકલિસ્ટ કરી


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૬

રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરાનું કારણ આપીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને વિદેશમાં બનેલા ટેલિકોમ ઉપકરણોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને કારણે અમેરિકામાં ચીનની ટેલિકોમ ઉપકરણ બનાવતી વિશ્વની મોટી કંપની હુઆવેઇ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

અમેરિકાના આ નિર્ણયને કારણે બંને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે આ અંગેના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં. જો કે આ આદેશમાં કોઇ દેશ કે કંપનીનું નામ લેવામાં આવ્યું નથી. જો કે  અગાઉ અમેરિકાના અધિકારીઓ હુઆવેઇના ઉપકરણોને ખતરો બતાવી ચૂક્યા છે. 

અમેરિકાએ દેશની કંપનીઓને નેક્સ્ટ જનરેશન ફાઇવજી નેટવર્કના સાધનો નહીં ખરીદવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનની હુઆવેઇ કંપની વિશ્વની સૌૈથી મોટી ટેલિકોમ્યુનિકેશન પ્રોવાઇડર કંપની છે. 

આ આદેશને પગલે અમેરિકન ટેકનોલોજી ખરીદવા માટે પણ હુઆવેઇને અમેરિકન સરકારની મંજૂરી લેવી પડશે.

અમેરિકાના વાણિજય પ્રધાન વિલબુર રોસે એક નિવેદનમાં જણાવ્યું છે કે હુઆવેઇ ટેકનોલોજીસ કંપની લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓને એન્ટિટી લિસ્ટ(વેપાર સાથે સંકળાયેલા બ્લેક લિસ્ટ)માં સામેલ કરશે.

ઉદ્યોગ અને સુરક્ષા બ્યૂરો આ યાદીમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ હિતોની વિરુદ્ધ કામ કરતા વિદેશી એકમોે જેવા કે વ્યકિત, કંપની, ઉદ્યોગ, શોધ, સંશોધન કે સરકારી સંગઠનને સામેલ કરવામાં આવે છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30pGod1
via Latest Gujarati News

Post a Comment

0 Comments