સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ચૂંટણી પરિણામના દિવસ સુધી ચૂપ રહેવાની પ્રતિજ્ઞા લીધી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 20 મે, 2019, સોમવાર

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને 'દેશભક્ત' ગણાવીને વિવાદમાં ફસાયેલા ભાજપના નેતા પ્રજ્ઞા ઠાકુરે મૌન વ્રતની જાહેરાત કરી છે. આ મામલે થયેલા વિવાદ બાદ સોમવારે સવારે તેમણે ટ્વિટરના માધ્યમથી બીજી વખત માફી માંગી હતી. તેમણે લખ્યું હતું કે, 'ચૂંટણી પ્રક્રિયા બાદ હવે ચિંતન, મનનનો સમય છે.

આ દરમિયાન મારા શબ્દો દ્વારા સમસ્ત દેશભક્તોને જો ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું અને સાર્વજનિક જીવનની મર્યાદા અંતર્ગત પ્રાયશ્ચિતના હેતુસર ૨૧ પ્રહરના મૌન અને કઠોર તપસ્યામાં તલ્લિન થઈ રહી છું.' મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે ૨૧ પ્રહરના મૌન વ્રતની જાહેરાત કરી છે. મતલબ કે તેઓ ગુરુવાર, ચૂંટણીના પરિણામના દિવસ સુધી મૌન વ્રત રાખશે. 

ભાજપના ભગવાધારી નેતા પ્રજ્ઞા સિંહે ભોપાલમાં કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી. ગત સપ્તાહે સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે દેશભક્ત હતા અને દેશભક્ત રહેશે તેવા અર્થનું નિવેદન આપ્યું હતું. વધુમાં કહ્યું હતું કે જે લોકો ગોડસેને આતંકવાદી કહે છે તેમણે પોતાની અંદર ઝાંખવું જોઈએ અને આવા લોકોને ચૂંટણીમાં યોગ્ય જવાબ આપવામાં આવશે.

પ્રજ્ઞા ઠાકુર પોતાના આ નિવેદન અંગે માફી માંગવા તૈયાર નહોતા પરંતુ ભાજપે તેમને માફી માંગવા સૂચન કર્યું હતું અને સાથે જ તેમના આ નિવેદનની ટીકા કરી હતી. આખરે તેમણે માફી માંગી લીધી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સભામાં બાપુનું અપમાન કરનારાઓને હું મનથી માફ નહીં કરી શકું તે અર્થનું નિવેદન આપ્યું હતું. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપવા અંગેના સવાલનો ખુલીને જવાબ આપતા કહ્યું હતું કે તે નકલી ભગવા આતંકવાદ વિરુદ્ધ અમારો સત્યાગ્રહ છે. 

સાધ્વી પ્રજ્ઞાએ ગત મહિને પણ મૌન વ્રત ધારણ કર્યું હતું. એક ઈન્ટરવ્યુમાં પોતે છ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી ધ્વંસ કરનારા સેવકોમાં સામેલ હતી અને તે અંગે ગર્વ અનુભવે છે તેવા અર્થનું નિવેદન આપ્યા બાદ તેમણે મૌન વ્રત લીધું હતું. ૨૬-૧૧ના રોજ થયેલા મુંબઈ હુમલામાં આતંકીઓનો સામનો કરનારા અધિકારી હેમંત કરકરેને પોતે શ્રાપ આપ્યો હતો તે નિવેદન બાદ પણ સાધ્વીએ અનેક લોકોને આંચકો આપ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VRv0In
via Latest Gujarati News

Post a Comment

0 Comments