
ભારત શાંતિ સ્થાપવા તૈયાર થાય તો અમે સરહદેથી સૈન્યના સ્પેશિયલ સર્વિસ ગુ્રપને પરત લઇશું : પાક.
નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર
સરહદે પાકિસ્તાન દરરોજ ગોળીબાર કરે છે, અને ક્યારેય મોટા હથિયારોનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તોપમારો પણ કરે છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન શાંતિની વાતો કરવા લાગ્યું છે. પાકિસ્તાને સરહદે જે તંગદીલી છે તેને ઓછી કરવા માટે ભારતને પ્રસ્તાવ મોકલ્યો છે, પાકિસ્તાને પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે તે ભારતને અપીલ કરે છે કે સરહદે મોટા હથિયારો અને તોપોનો ઉપયોગ કરવાનું ટાળે. ભારતને આ પ્રસ્તાવ પાકિસ્તાની સૈન્ય દ્વારા મોકલવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન બન્નેના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (ડીજીએમઓ) બેઠકો યોજતા રહે છે અને જે પણ સમસ્યાઓ છે તેની ચર્ચા કરતા હોય છે. આ જ પ્રકારની વાતચીત દરમિયાન જ પાકિસ્તાને ભારતને સરહદે શાંતિ સ્થાપવાનો પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલો છે.
પાકિસ્તાને એવી પણ ઓફર ભારતને કરી છે કે જો ભારત તૈયાર હોય તો પાકિસ્તાન સરહદે (સ્પેશિયલ સર્વિસ ગુ્રપ) એસએસજીને પરત લેવા માટે તૈયાર છે. એસએસજી પાકિસ્તાનનું સ્પેશિયલ સૈન્ય છે જેને હટાવવા ઉપરાંત જે મોટી તોપો તૈનાત હશે તેને પણ પરત લઇ લેવા માટેની ઓફર પાકિસ્તાને ભારતને કરી છે. આ પ્રસ્તાવને પીએમઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો તે બાદ પાકિસ્તાન ઢીલુ પડી ગયું છે અને હવે શાંતિની વાતો કરવા લાગ્યું છે. ભારતે હવે પાકિસ્તાન પર વધુ લગામ લગાવવા માટે પણ અન્ય દેશોની સાથે વાતચીત કરી છે. ફ્રાન્સની ફાઇનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સ (એફએટીએફ) પર પણ ભારત દબાણ કરી રહ્યું છે અને પાકિસ્તાન વિરુદ્ધ આકરા પ્રતિબંધોની માગણી પણ કરી રહ્યું છે. આ ટાસ્કફોર્સ વૈશ્વીક આતંકવાદને કેવી રીતે ફંન્ડિગ મળે છે તેના પર ધ્યાન રાખે છે.
હાલ પાકિસ્તાન ન માત્ર આતંકીઓને તાલીમ આપે છે સાથે તેની આઇએસ નામની સંસ્થા આ સંગઠનોને નાણાકીય મદદ પણ કરી રહી છે. તેથી તેની વિરુદ્ધ પગલા લેવાની માગણી ભારત કરી રહ્યું છે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઇ છે, પુલવામા હુમલા ભારતે પાક.માં એરસ્ટ્રાઇક કરી હતી, જે બાદ સતત પાકિસ્તાન સરહદે શસ્ત્ર વિરામનો ભંગ કરી રહ્યું છે, અને તેમાં ૧૦થી વધુ ભારતીયોનો ભોગ લીધો છે. બીજી તરફ હવે શાંતિની વાતો કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YsyRbL
via Latest Gujarati News
0 Comments