ટ્રિપલ તલાક આપવા બદલ પતિ વિરુદ્ધ પત્ની સુપ્રીમમાં પહોંચી, એફઆઇઆરની માગ


લગ્નને નવ વર્ષ થયા, મહિલાને બે બાળકો હોવાથી ભરણપોષણમાં પણ પતિનો સહકાર ન મળતો હોવાનો દાવો  

નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર

એક મુસ્લિમ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જેમાં તેણે દાવો કર્યો છે કે મારા પતિએ ગેરકાયદે મને ડિવોર્સ આપ્યા છે. આ ઉપરાંત મહિલાએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે મારા પતિએ મને ટ્રિપલ તલાકનો ઉપયોગ કરીને તલાક આપ્યા છે, જેથી સુપ્રીમ કોર્ટે આ પ્રથા પર પ્રતિબંધ મુકવાનો જે આદેશ આપ્યો હતો તેનું પણ ઉલ્લંઘન થઇ રહ્યું છે. 

જસ્ટિસ ઇંદિરા બેનર્જી અને સંજિવ ખન્નાએ કહ્યું છે કે તેઓ આ મામલે હવે શુક્રવારે વધુ સુનાવણી કરશે. મુસ્લિમ મહિલા વતી કોર્ટમાં હાજર થયેલા વકીલ એમએમ કશ્યપે કહ્યું હતું કે લગ્નના નવ વર્ષ બાદ મારા પતિએ મને તલાક આપ્યા છે જોકે તે ગેરકાયદે છે.  સુપ્રીમ કોર્ટે મહિલાને સાથે એમ પણ પૂછ્યું હતું કે આ મામલે હાઇકોર્ટમાં કેમ અપીલ ન કરી.

જેના જવાબમાં મહિલાના વકીલે એવી દલીલ કરી હતી કે જે ટ્રિપલ તલાકની પ્રથાથી ડિવોર્સ આપવામાં આવ્યા છે તેના પર સુપ્રીમ કોર્ટે આદેશ આપીને પ્રતિબંધ મુકી દીધો છે તેથી મને ગેરકાયદે આપેલા આ ડિવોર્સ સુપ્રીમ કોર્ટના એ આદેશનું ઉલ્લંઘન પણ છે. મહિલાએ સાથે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મારા પતિ તેમજ મારા સાસરીયા મારી પાસે દહેજની માગણી કરી હતી. જેમાં તેમણે કાર પણ માગી હતી, જોકે હું ન આપી શકતા તેમણે મારી સાથે મારપીટ કરવાનું શરૃ કરી દીધું હતું. 

મહિલાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક નાબુદ કરતો જે આદેશ આપ્યો હતો તે પણ મારી તરફેણમાં જ છે. માટે આ મામલે હવે સુપ્રીમ કોર્ટ મારા પતિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરે કેમ કે તેમણે ટ્રિપલ તલાકનો ઉપયોગ કરીને મને તલાક આપ્યા છે અને તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરે. મહિલાની આ અરજીની સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે અને હવે આગામી દિવસોમાં તેની સુનાવણી કરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LYXQSm
via Latest Gujarati News

Post a Comment

0 Comments