
અમદાવાદ તા. 28 મે, મંગળવાર
લોકસભાની ચૂંટણીના પરિણામોને પગલે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજીનામાં અપાઈ રહ્યા છે, રાજીનામાની આ સીઝનમાંથી ગુજરાત કોંગ્રેસ પણ બાકાત રહ્યું નથી. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામા ધરી દીધા છે. આ બંને નેતાઓએ દિલ્હી કોંગ્રેસ હાઈ કમાન્ડ સમક્ષ રાજીનામાં આપ્યા છે.
જેમાં તેઓએ લખ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી શકી નથી. કોંગ્રેસની હાર માટે પોતાની સીધી જવાબદારી હોવાથી તેને સ્વીકારી લઈને તેઓ પોતાના પદ પરથી રાજીનામાં આપી રહ્યા છે. તેમની જગ્યાએ અન્ય કોઇ યુવા નેતાને જવાબદારી સોપવાનીને વાત કરી છે.
નોંધનીય છે કે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ગયા બાદ અને ભરતસિંહ સોલંકીએ પણ પક્ષ પ્રમુખની જવાબદારી છોડ્યા બાદ રાહુલ ગાંધીએ પરેશ ધાનાણી અને અમિત ચાવડા પર વિશ્વાસ મૂક્યો હતો. પરંતુ આ બંને યુવા નેતાઓ સફળ થયા નથી. તેના આવ્યા બાદ કોંગ્રેસમાં આંતરિક ખટપટ અને અસંતોષ વધ્યો છે. કોંગ્રેસમાંથી સિનિયર નેતાઓ જેવાકે કુંવરજી બાવળીયા જવાહર ચાવડા ભાજપમાં જતા રહ્યા છે.
ઉપરાંત અન્ય ચાર ધારાસભ્યોએ પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા હજુ બીજા ચાર-પાંચ ધારાસભ્યો કોંગ્રેસ છોડવાનું વિચારી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સારો માહોલ હોવા છતાં તેનો લાભ લઇ શક્યા નથી. જેથી હાર માટે પોતાની જવાબદારી માનીને બંને નેતાઓએ રાજીનામાં ધરી દીધા છે. અમિત ચાવડાએ પોતે રાજીનામું આપ્યું છે કેમ તે અંગેની કોઈ સ્પષ્ટતા કરી નથી. હવે જોવાનું એ રહે છે કે પરેશ ધાનાણી અને અમિત ચાવડાનું રાજીનામું મંજુર કરવામાં આવે છે કે પછી ફરીથી તેમને ચાલુ રાખવામાં આવે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WrsgRj
via Latest Gujarati News
0 Comments