મોદી જીતી ગયા એટલે રાહુલે રાજીનામુ આપવાની જરૂર નથી : લાલુ, રજનિકાંતનું સમર્થન


રાહુલે રાજીનામુ ન આપવું જોઇએ, તેઓ યુવા નેતા છે તેમને અન્ય વરીષ્ઠ નેતાઓનો સાથ ન મળ્યો : રજનિકાંત 

રાહુલનો નિર્ણય યોગ્ય નથી, રાજીનામુ આપવું આત્મહત્યા સમાન બનશે : લાલુ 

નવીદિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ હતું, કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં રાહુલે પોતાનું રાજીનામુ સોપ્યું હતું પણ તેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો અને વર્કિંગ કમિટીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી જ પ્રમુખ પદ પર બન્યા રહેશે. જોકે રાહુલ પોતાના નિર્ણયને પાછો લેવાની ના પાડી રહ્યા છે. 

આ સ્થિતિ વચ્ચે હવે એવા અહેવાલો છે કે જ્યાં સુધી આ મામલાનો નિવેડો ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધી જ પ્રમુખ પદ પર રહે તેવી શક્યતાઓ છે. રાહુલને મનાવવાના પ્રયાસો જારી છે, બોલિવૂડ સુપર સ્ટાર રજનિકાંતે કહ્યું હતું કે રાહુલ યુવા નેતા છે, પણ તેને જોઇએ તેટલા અન્ય વરીષ્ઠ નેતાઓએ સાથ નથી આપ્યો, રાહુલે રાજીનામુ ન આપવું જોઇએ. 

રાહુલ ગાંધી પ્રમુખ પદ પરથી રાજીનામુ આપવા માટે અડગ છે ત્યારે અન્ય સાથી પક્ષોના નેતાઓ તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ છેલ્લા બે દિવસથી કોઇ સાથે મળવાની ના પાડી દીધી છે સાથે પોતાના અન્ય કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. મંગળવારે પ્રિયંકા ગાંધી રાહુલને મળવા માટે ગયા હતા.

બીજી તરફ અન્ય પક્ષના નેતાઓ પણ રાહુલને રાજીનામુ ન આપવાની સલાહ આપી રહ્યા છે. ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિને રાહુલ ગાંધી સાથે ફોન પર વાતચીત કરી હતી અને રાજીનામુ ન આપવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ ભલે ચૂંટણી હારી હોય પણ રાહુલ ગાંધી લોકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે. બોલિવૂડ અભિનેતા રજનિકાંતે પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ ન આપવું જોઇએ. 

જ્યારે આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે રાજીનામુ આપવું આત્મહત્યા સમાન ગણાશે. રાહુલ ગાંધીએ પ્રમુખ પદ ન છોડવું જોઇએ. જ્યારે કોંગ્રેસના નેતા શશી થરુરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના ખબે જ બધો ભાર મુકી દેવો અયોગ્ય છે. તેઓએ ઘણા પ્રયાસો કર્યા છે.

દિલ્હી કોંગ્રેસના વડા શીલા દિક્ષીતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના નિર્ણયને પરત લઇ લેવો જોઇએ અને રાજીનામુ ન આપવું જોઇએ. રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ અન્ય એક કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતંક કે રાહુલ ગાંધીએ રાજીનામુ આપવાને બદલે જેમણે સારા પ્રયાસો નથી કર્યા તેમના રાજીનામા લઇ લેવા જોઇએ અને પક્ષને મજબુત બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવા જોઇએ. 

કોંગ્રેસને નેતૃત્વ પૂરૂં પાડવા માટે રાહુલ ગાંધી શ્રેષ્ઠ વ્યક્તિ : થરૂર

(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર

લોકસભા ચૂંટણીમાં થયેલા નિરાશાજનક દેખાવ પછી કોંગ્રેસને દુર્દશામાંથી ઉગારવા માટે રાહુલ ગાંધી શ્રેષ્ઠ વ્યક્તિ છે, એમ કોંગ્રેસનેતા શશીથરૂરે જણાવ્યું છે.

''કોંગ્રેસ પક્ષ જીવંત અને ઉત્સાહપ્રેરક છે. એની મરણનોંધ લખવી એ ખૂબ કવેળાનું છે,'' એમ એમણે ઉમેર્યું.

કોંગ્રેસ પાસે પગ વાળીને બેસવાનો અને ઘાને પંપાળ્યા કરવાનો સમય નથી. કારણ કે એણે આગામી વિધાનસભા ચૂંટણી માટે તુર્ત જ કેડ બાંધીને તૈયાર થવાનું છે, એમ થરૂરે આ સમાચાર સંસ્થાને જણાવ્યું.

લોકસભામાં ફક્ત બાવન બેઠકો જીતીને ધબડકો કરતા કોંગ્રેસ પ્રમુખ સત્તાત્યાગના નિર્ણયમાં મક્કમ છે ત્યારે પક્ષ અસ્તિત્વ માટે લડી રહ્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસ પક્ષ શાસિત રાજ્ય સરકારો અનિશ્ચિત ભાવિયુક્ત બની રહી છે.

લોકસભામાં થિરૂવનંતપુરમ બેઠક જીતીને ચૂંટણીમાં વિજયની હેટ્રિક નોંધાવનારા થરૂરે કહ્યું કે જો એમને ઓફર કરાશે તો પોતે કોંગ્રેસના લોકસભા પક્ષના નેતાની કામગીરી કરવા માટે તૈયાર છે.

કોંગ્રેસ હજી પણ ભાજપનો એક માત્ર આધારભૂત રાષ્ટ્રીય વિકલ્પ છે. રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસ એનો સંદેશો દેશવાસીઓ સમક્ષ લઇ જશે એવી આશા રહે છે, એમ થરૂરે ઉમેર્યું.

થરૂરની દ્રષ્ટિએ આઝાદીના સમયથી કોંગ્રેસ પક્ષને આકાર આપવામાં અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં ગાંધી-નહેરૂ પરિવારે કરેલા અઢળક યોગદાનના પગલે એ પરિવારનું પક્ષમાં ઊંચા દર્જાનું માન-સન્માન જળવાઇ રહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mf6499
via Latest Gujarati News

Post a Comment

0 Comments