કોંગ્રેસમાં કમઠાણઃ કોપાયમાન રાહુલ સતત ત્રીજા દિવસે ગહેલોટ અને પાયલોટને ના મળ્યા

નવી દિલ્હી, તા 29 મે 2019, બુધવાર

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં આંતરિક કમઠાણ યથાવત છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવાના મૂડમાં છે અને બીજી તરફ તેઓ પાર્ટીના નેતાઓને પણ મળી રહ્યા નથી.

આજે સતત ત્રીજા દિવસે પણ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોટ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને રાહુલ ગાંધીએ મુલાકાત આપી નહોતી. બંને નેતાઓને વીલા મોઢે રાહુલના નિવાસસ્થાને પહોંચ્યા બાદ પાછા ફરવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ બે નેતાઓથી નારાજ છે. રાહુલને લાગે છે કે, રાજસ્થાનમાં કોંગ્રેસના ધબડકા માટે ગેહલોટ અને પાયલોટ વચ્ચેનો કલહ જવાબદાર છે અને બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસમાં પણ ઘમાસાણ ચાલી રહ્યુ છે.

પાયલોટ સમર્થિત નેતાઓ ખુલ્લેઆમ પાર્ટીની હાર માટે ગેહલોટને જવાબદાર ઠેરવી રહ્યા છે. બીજી તરફ કહેવાતા રાજીનામા બાદ રાજસ્થાનના કૃષિ મંત્રી કટારિયા ગાયબ થઈ ગયા છે. મંત્રી ક્યાં છે તેની કોઈને ખબર નથી.

રાહુલ ગાંધીએ હાર બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં એમપી અને રાજસ્થાનમાં કોંગ્રેસના ધબડકાને લઈને વિશેષ નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલે કહ્યુ હતુ કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પોતાના સંતાનોને જ ચૂંટણી જીતાડવા માટે ધ્યાન આપી રહ્યા હતા અને બીજા મત વિસ્તારો પર તેમણે ધ્યાન આપ્યુ નહોતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I8Otur
via Latest Gujarati News

Post a Comment

0 Comments