
નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર
જાણીતા બિઝનેસમેન અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમના માલિક નેસ વાડિયાને ડ્રગ્સ રાખવા બદલ જાપાનમાં બે વર્ષની સજા કરવામાં આવી છે. તેઓની ધરપકડ ગયા મહિને કરવામાં આવી હતી. નેસ વાડીયા જાપાનમાં પ્રવાસ માટે ગયા હતા, જ્યાં તેઓને ચિટોસ એરપોર્ટ પરથી પકડવામાં આવ્યા હતા.
વાડીયા પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું, જાપાનમાં ડ્રગ્સ રાખવા પર પ્રતિબંધ છે અને કડક કાયદાને પગલે તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ૨૦મી માર્ચે કેસ દાખલ થયા બાદ અને કોર્ટમાં સુનાવણી પહેલા પણ નેસ વાડીયાને અનેક દિવસો સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે તેઓ એરપોર્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની સ્નિફર ડોગ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન તેની પાસે આશરે ૨૫ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ ડ્રગ્સ પોતાના અંગત ઉપયોગ માટે તેમણે રાખ્યું હતું. ૨૮૩ વર્ષ જુના વાડિયા ગુ્રપના વારસદાર નેસ વાડિયાને જાપાનની સ્થાનિક કોર્ટે નેસ વાડિયાને જે બે વર્ષની સજા સંભળાવી છે તે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ રહેશે, તેથી તેમની ધરપકડ હાલ નથી કરાઇ જોકે આ દરમિયાન નેસ કોઇ ગેરકાયદે કામ જાપાનમાં કરશે તો તેને જેલમાં મોકલી દેવામાં આવશે.
વાડિયા ગુ્રપે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હાલ નેસ વાડિયા ભારતમાં છે અને તેમની સજાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હોવાથી હાલ તેમને જેલમાં મોકલવામાં નહીં આવે, તેઓના દૈનિક કામકાજ પર પણ આ સજાની કોઇ અસર નહીં થાય. જાપાનમાં ૨૦૨૦માં ટોક્યોમાં ઓલિમ્પિક યોજાવાની છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WgIdGC
via Latest Gujarati News
0 Comments