
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર
દેશના મૂડી બજારના ઈતિહાસમાં આજે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) આજે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.
દેશના અગ્રણી શેર બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)ને કો-લોકેશન કેસમાં સેબીએ કસૂરવાર ઠેરવીને છ મહિના માટે સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવા સાથે રૂ.૬૨૫ કરોડ વાર્ષિક ૧૨ ટકાના વ્યાજ સાથે ડિસ્ગોર્જ જમા કરવા આદેશ આપ્યો છે. આ સાથે એનએસઈના બે ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેકટરો રવિ નારાયણ અને ચિત્રા રામક્રિષ્ના વિરૂધ્ધ પણ દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવાયા છે.
સેબીએ આજે ૩૦,એપ્રિલના આદેશમાં જણાવ્યું છે કે, એનએસઈ દ્વારા ટીબીટી(ટિક-બાય-ટિક) આર્કિટેકચર મૂકતી સમયે ડયુ ડિલિજન્સ નહોંતું કર્યું. જે માટે એનએસઈને કસૂરવાર ઠેરવીને ૧,એપ્રિલ ૨૦૧૪થી વાર્ષિક ૧૨ ટકા વ્યાજ સાથે રૂ.૬૨૪.૮૯ કરોડ ડિસ્ગોર્જ ઈન્વેસ્ટર પ્રોટેકશન એન્ડ એજ્યુકેશન ફંડ(આઈપીઈએફ)માં જમા કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ સાથે એનએસઈને છ મહિના માટે મૂડીબજાર-સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશવા મનાઈ ફરમાવી છે, જેથી એનએસઈ આગામી છ મહિના સુધી આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશી શકશે નહીં. આ ડિસ્ગોર્જમેન્ટ રકમ એનએસઈ દ્વારા આઈપીઈએફમાં જમા કરવાની રહેશે.
આ સાથે એનએસઈને ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેકટર(એમ.ડી) અને સીઈઓ રવિ નારાયણને પણ તેમણે નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ થી ૨૦૧૨-૧૩ માટે મેળવેલા વેતનના ૨૫ ટકા રકમ અ૪૫ દિવસમાં આઈપીઈએફમાં ડિસ્ગોર્જ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત એનએસઈને ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેકટર ચિત્રા રામક્રિષ્નાને પણ તેમણે વર્ષ ૨૦૧૩-૧૪ માટે મેળવેલા વેતનના ૨૫ ટકા રકમ આઈપીઈએફમાં ૪૫ દિવસમાં ડિસ્ગોર્જ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ બન્ને રવિ નારાયણ અને ચિત્રા રામક્રિષ્નાને આગામી પાંચ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપની કે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્સ્ટીટયુશન અથવા કોઈપણ અન્ય માર્કેટ ઈન્ટરમીડિયરી સાથે જોડાવા કે સંકળાવા પર પ્રતિબંધ મૂકાયો છે.
ઉલ્લેખનીય છે કે, એક્સચેન્જ-એનએસઈ દ્વારા કેટલાક ટ્રેડરોને તેમની સવલતો અગ્રતા આપવામાં આવી રહ્યાના આક્ષેપો થવાના પગલે સેબીએ ૨૧,જૂનથી એનએસઈ કો-લોકેશન કેસમાં વિવિધ એકમો વિરૂધ્ધ તપાસ-પગલાં લેવાની શરૂઆત કરી હતી.
આ કેસમાં કસૂરવાર વિરૂધ્ધ સિસ્ટમના રિગિંગ માટેની તપાસ કરાઈ હતી. જેમાં કેટલાક બ્રોકરોને તેમના કો-લોકેશન સવલતોમાં એનએસઈ દ્વારા બેકઅપ સર્વરો ઉપલબ્ધ કરાવીને અગ્રતા આપવામાં આવી હતી. ગેરકાયદે સ્પિડ-ઝડપ મેળવીને બ્રોકરો દ્વારા વર્ષ ૨૦૧૦ થી વર્ષ ૨૦૧૪ દરમિયાન ચાર વર્ષ માટે હાઈ-ફ્રિકવન્સી ટ્રેડસ કરવામાં અને તેમના ગ્રાહકોને આ રીતે હજારો કરોડોનો લાભ કરાવાયો હોવાના આક્ષેપો હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GUoes8
via Latest Gujarati News
0 Comments