પાંચ વર્ષના મોદી શાસનમાં ફક્ત પ્રચાર ઝુંબેશ, કોઇ કાર્ય નહિ : પ્રિયંકા


(પીટીઆઇ) રતલામ (મધ્યપ્રદેશ), તા. 13 મે, 2019, સોમવાર

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ આજે અત્રે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના કાર્યકાળમાં ફક્ત પ્રચાર ઝુંબેશ જોવા મળી છે, કોઇ કાર્ય નહિ.

વડાપ્રધાન મોદી અહીં રેલી સંબોધીને વિદાય થયા એના કલાકો પછી પ્રિયંકાએ રેલીને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાનને પાંચ વર્ષના કાર્યકાળમાં એમના મતવિસ્તાર વારાણસીના ગરીબોની સમસ્યાને ઉકેલવા માટે પાંચ મિનિટ પણ મળી નથી.

એમણે મોદીની તપસ્યા સંબંધી ટિપ્પણીની ઝાટકણી કાઢતા કહ્યું કે તપસ્યાથી માણસની ઉધ્ધતાઇ દૂર થાય છે, જ્યારે મોદી સરકારની ઉધ્ધતાઇ ખૂબ વધી ગઇ છે.

પ્રિયંકાએ કહ્યું કે આ તપસ્વી વડાપ્રધાને ખેડૂતો, યુવાનો અથવા દેશના નિર્બળ લોકો કોઇનું ય ભલું કર્યું નથી. સરકારની ઉધ્ધતાઇ એટલી વધી છે કે મોદી ફક્ત ચૂંટણી રેલી દરમિયાન જ પ્રજાને મળે છે. એમણે આક્ષેપ કર્યો કે મોદી મોટી વાતો કરે છે પરંતુ ભાજપ ક્યા ચૂંટણી વચનો પાળી શક્યું નથી, એ વિષે કોઇ ફોડ પાડતા નથી.

પ્રિયંકાએ મતદારોને સાવધ કરતા કહ્યું કે તમને છેતરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તમારો (મતદારોનો) રાજકીય ઉપયોગ થઇ રહ્યો છે. તમે જ બધાને (મોટા) રાજકારણીઓ બનાવ્યા છે, માટે તમારી તાકાત સમજો. તમારો મત અમૂલ્ય છે. એને વેડફશો નહિ. લોકશાહી ભયમાં છે કારણ કે લોકોના અવાજને ગૂંગળાવાઇ રહ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JljttZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments