
(પીટીઆઈ) મથુરા, તા. 9 મે, 2019, ગુરૂવાર
ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠકના સપા-બસપા સમર્થિત રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર કુંવર નરેન્દ્ર સિંહે એકાદ સપ્તાહ પહેલા ઈવીએમ મશીનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કૃષિ ઉત્પાદન મંડી પરિસરમાં રાખવામાં આવેલા ઈવીએમને ત્યાં ફરતા ઉંદરો નુકસાન પહોંચાડી શકે છે તેવી આશંકા જિલ્લા ચૂંટણી અધિકારી સર્વજ્ઞારામ મિશ્રા સમક્ષ વ્યક્ત કરી હતી. સર્વજ્ઞારામે નરેન્દ્ર સિંહને મંડી સ્મિતિ વિસ્તારના સ્ટ્રોંગ રુમમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીનની સલામતી અને સુરક્ષા અંગે ચિંતાનું કોઈ કારણ ન હોવાની ભારપૂર્વક ખાતરી આપી છે.
રાષ્ટ્રીય લોકદળના મથુરાના ઉમેદવાર નરેન્દ્ર સિંહે ઉંદરો ઈવીએમને નુકસાન પહોંચાડી શકે તેવી આશંકાને પગલે ઈવીએમ રાખવામાં આવે છે તે સ્ટ્રોંગ રુમના ફરતે વાયરોની મદદથી વાડ કરવા માંગ કરી હતી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મિશ્રાએ ત્રણ દિવસ સુધી સ્ટ્રોંગ રુમ પર નજર રાખ્યા બાદ મંડી સ્મિતિ વિસ્તારના સ્ટ્રોંગ રુમમાં રાખવામાં આવેલા ઈવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની અને તેમને ઉંદરોથી કોઈ જોખમ ન હોવાની ખાતરી આપી છે.
તેમણે જણાવ્યું કે સમગ્ર વિસ્તારને કેન્દ્રીય સુરક્ષા દળ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને ત્યાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ ન આપવા સૂચના આપવામાં આવેલી છે. આ ઉપરાંત ગુનાહિત ભૂતકાળ ધરાવતી કોઈ પણ વ્યક્તિને કાઉન્ટિંગ એજન્ટ તરીકે મંજૂરી આપવામાં નહીં આવે. વિધાનસભા પ્રમાણે કાઉન્ટિંગ એજન્ટની નિમણૂક કરવામાં આવશે અને કોઈ એજન્ટ અન્ય વિધાનસભાના કાઉન્ટિંગ વિસ્તારમાં પ્રવેશ નહીં કરી શકે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WAJKrd
via Latest Gujarati News
0 Comments