
સીઓલ, તા. 9 મે, 2019, ગુરૂવાર
અમેરિકન રાજદૂતે ઉત્તર કોરિયાના સંદર્ભમાં વાતચીત કરવા માટે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. એ જ દિવસે ઉત્તર કોરિયાએ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના દાવા પ્રમાણે ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ સિવાય અન્ય રહસ્યમય મિસાઈલ પણ લોંચ કરી હતી.
અમેરિકા અને ઉત્તર કોરિયાના નેતાઓ વચ્ચે બે શિખર સંમેલનો થયા હતા. વિએટનામમાં ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત અસફળ રહી પછી ફરીથી બંને દેશોના સંબંધોમાં તંગદિલી આવી છે.
પરમાણુ હથિયારોનું પરીક્ષણ ન કરવાની ખાતરી આપ્યા પછી હવે ફરીથી ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણો શરૃ કર્યા છે. નવેમ્બર-૨૦૧૭ પછી ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણો બંધ કર્યા હતા, પરંતુ છેલ્લાં દિવસોમાં અમેરિકાએ પ્રતિબંધો હટાવવાનો વાયદો પાળ્યો નથી એવું કારણ આગળ ધરીને ફરીથી પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
એ ઘટનાના બીજા સપ્તાહમાં જ બે ટૂંકી રેન્જની મારક શક્તિ ધરાવતી બેલાસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યાનું સામે આવ્યું છે. ઉત્તર કોરિયા મુદ્દે વાતચીત કરવા માટે અમેરિકાના વિશેષ રાજદૂત દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલની મુલાકાતે આવ્યા છે, એ જ દરમિયાન જ ઉત્તર કોરિયાએ બે બેલાસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના લશ્કરે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના લશ્કરે બે બેલાસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું તે સાથે અન્ય શંકાસ્પદ લશ્કરી એક્ટિવિટી પણ કરી હતી.
દક્ષિણ કોરિયાના દાવા પ્રમાણે ઉત્તર કોરિયાએ શંકાસ્પદ મિસાઈલ લોંચ કરી હતી અને સરહદ નજીક લશ્કરી કવાયત પણ હાથ ધરી હતી. દક્ષિણ કોરિયાના લશ્કરે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ૨૭૦ કિલોમીટર અને ૪૨૦ કિલોમીટરની મારણ ક્ષમતા ધરાવતી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ થયું તે પછી દક્ષિણ કોરિયા અને અમેરિકન લશ્કરે તેનું વિશ્લેષણ પણ કર્યું હતું.
દેશના રક્ષણ માટે લશ્કરી પરીક્ષણ થયું હતું : ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સીએ લશ્કરી અધિકારીને ટાંકીને પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં કહ્યું હતું કે દેશના રક્ષણ માટે લશ્કરી પરીક્ષણ થયું હતું. જે લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી છે તે આત્મરક્ષા માટે છે. ઉત્તર કોરિયાએ એવો દાવો કર્યો હતો કે નિયમિત લશ્કરી કવાયતના ભાગરૃપે થયેલું પરીક્ષણ હતું અને તેમાં કંઈ જ વાંધાનજક નહોતું.
ઉત્તર કોરિયાના લશ્કરી અધિકારીઓએ કહ્યું હતું કે ઉત્તર કોરિયાના લશ્કરે વાંધાજનક ગણીને જેની ટીકા કરી છે, તેમાં કંઈ જ વાંધાજનક નહોતું. કારણ કે આવી લશ્કરી કવાયતો બધા જ દેશો પોતાના રક્ષણ માટે કરે છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ભારપૂર્વક આ પરીક્ષણને રૃટિન અને સેલ્ફ ડિફેન્સના ભાગરૃપે થયું હોવાનું કહ્યું હતું.
અમેરિકાએ પણ ઉત્તર કોરિયાને જવાબ આપવા મિસાઈલ પરીક્ષણ કર્યું
સીઓલ, તા. 9 મે, 2019, ગુરૂવાર
ઉત્તર કોરિયાએ મિસાઈલનું પરીક્ષણ કર્યું એ જ દિવસે અમેરિકાએ પણ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. અમેરિકન વાયુસેનાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ ઉપરથી મિનિટમેન-૩ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ લોંચ કરવામાં આવી હતી.
અમેરિકાએ કહ્યું હતું કે આ રૃટિન લશ્કરી કવાયતના ભાગરૃપે થયેલું પરીક્ષણ હતું. ઉત્તર કોરિયાના પરીક્ષણનો ઉલ્લેખ કર્યા વગર અમેરિકાએ કહ્યું હતું કે દુનિયામાં બનેલી એક પણ ઘટના સાથે આ પરીક્ષણને કોઈ સંબંધ નથી. આ સપ્તાહમાં થયેલું આ બીજું નિયમિત લશ્કરી પરીક્ષણ હતું અને આ પરીક્ષણ એરફોર્સ દ્વારા વર્ષમાં ચાર કે પાંચ વખત કરવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E1UbNn
via Latest Gujarati News
0 Comments