
નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર
રફાલ સોદાને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજુ કર્યો હતો. જેમાં તેણે કોર્ટને જણાવ્યું છે કે આ કેસમાં હવે એફઆઇઆર કે આગળ તપાસની કોઇ જ જરુર નથી અને આ વાત ખુદ સુપ્રીમ કોર્ટ પણ અગાઉ કહી ચુકી છે.
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેને લઇને હાલ એક રિવ્યૂ પિટિશન થઇ છે, જેને રદ કરી દેવાની માગણી કેન્દ્ર સરકાર કરી રહી છે. અગાઉ સરકારે એવી દલીલ કરી હતી કે રિવ્યૂ પિટિશનના આધાર તરીકે જે પુરાવા લેવામાં આવ્યા છે તે જ યોગ્ય નથી કેમ કે તે પુરાવાના દસ્તાવેજો મંત્રાલયમાંથી ચોરી કરવામાં આવેલા છે.
પોતાના ૩૯ પાનાના લેખીત જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રફાલ સોદામાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેને પડકારતી અરુણ શૌરી, યશવંત સિંહા, પ્રશાંત ભુષણની જે અરજી છે તેનો આધાર જ ખોટો છે,
ખાસ કરીને આ કોર્ટે જ કહી દીધુ હતું કે આ સોદાના ત્રણેય હેતુ જેમ કે નિર્ણયની પ્રક્રિયા, ભાવ અને ભારતીય ઓફસેટ પાર્ટનરમાં કોઇ જ દખલ દેવાનું કારણ નથી જણાતું તો આવી સ્થિતિમાં એફઆઇઆર દાખલ કરવાનો સવાલ જ નથી ઉભો થતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ ડિસેમ્બરના પોતાના ચુકાદામાં આ સોદાને લઇને કોઇ પણ પ્રકારની તપાસના આદેશ આપવાની ના પાડી દીધી હતી, જે બાદ આ મામલે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
આ રિવ્યૂ પિટિશનના પુરાવા અંગે અગાઉ સરકારે જે વિરોધ ઉઠાવ્યો હતો તેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો અને પુરાવાને માન્ય રાખ્યા હતા ત્યારે ફરી સરકારે સુપ્રીમમાં તે જ પ્રકારનો જવાબ રજુ કર્યો છે અને જણાવ્યું છે કે હાલ રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે તેમાં કઇ જ નવુ નથી, જે પણ કોઇ વિગતો છે તે બધી જ જુની છે. આ સમગ્ર મામલે કેગ દ્વારા રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. સંસદને પણ રફાલ વિમાનના જે ભાવ છે તેની જાણકારી આપવામાં આવી હતી. તેથી આ વિમાનના ઉચા ભાવ હોવાનો સવાલ જ ઉપસ્થિત નથી થઇ રહ્યો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MpiOKL
via Latest Gujarati News
0 Comments