દેશની જનતાએ નોટબંધી GSTનો વિરોધ તેમજ ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દો ન સ્વિકાર્યો


અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર

2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષના નેતાઓ દ્વારા જાહેરમાં એકબીજા પર આક્ષેપો કરાયા હતા. આ વખતે નેતાઓની ભાષાનું સ્તર ખુબ જ નીચે ઉતરી ગયું હતું. 

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં મુખ્યત્વે મોદી સરકારની કામગીરીની આલોચના કરી હતી. જેમાં નોટબંધી-GST તેમજ ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દાઓ મુખ્ય હતા. ખેડુતોની તથા મહિલાઓની સમસ્યા અંગે પણ ભાષણો આપ્યા હતા. બીજી બાજુ ભાજપે આ વખતે રાષ્ટ્રવાદ અને દેશની સલામતીના મુદ્દાને મુખ્ય બનાવ્યો હતો. વિકાસના મુદ્દાની ખાસ કોઇ ચર્ચા નહોતી. બંન્ને પક્ષના નેતાઓએ તમામ મર્યાદાઓ ઓળંગતી ભાષાઓનો પ્રયોગ કર્યો હતો. રાહુલ ગાંધીએ ચૌકીદાર ચોર હૈ નો નારો આપ્યો હતો જ્યારે ભાજપે મોદી હૈ તો મુમકીન હૈ અને આયેગા તો મોદી હી એ પ્રકારના સુત્રો વહેતા કર્યા હતા.

તમામ એક્ઝિટ પોલમાં ભાજપ-NDAને 280થી માંડીને 350 બેઠકો મળશે એવું તારણ નિકળ્યું હતું. પરંતું કોંગ્રેસ સહિતના વિવિધ વિરોધ પક્ષને અને દેશના લાખો લોકોને આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ નહોતો. કારણ કે તેઓ એવું કહેતા હતા કે મોદી સરકારે પાંચ વર્ષ દરમિયાન સામાન્ય લોકો માટે કશું કર્યું નહોતું. આ સરકાર સુટ-બુટની અને ઉદ્યોગપતિઓની છે. ભાજપ વિકાસના મુદ્દાને અડતું નથી. 2014માં ભાજપે જે વચનો આપ્યા હતા. તેમાંથી એક પણ વચન પૂર્ણ થયું નથી ભાજપ નકલી રાષ્ટ્રપ્રેમની વાતો કરે છે.

બીજી બાજુ ભાજપે પુલવામા એટેક બાદ પાકિલસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીરમાં એરસ્ટ્રાઇક કરી હતી ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા ભાજપાના અન્ય નેતાઓએ પણ જાહેર સભા અને રેલીમાં લોકો સમક્ષ આ મુદ્દા કહ્યા હતા. આમ ભાજપે આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાને બદલે દેશની સલામતી અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય મુદ્દા બનાવ્યા હતા. તેમજ મોદીએ કોંગ્રેસના ગાંધી પરિવાર પર પ્રહારો કરતા પરિવારવાદને પણ મુદ્દો બનાવ્યો હતો.

આજે મતગણતરીમાં જે પરિણામો સામે આવી રહ્યાં છે તે જોતા સ્પષ્ટ થઇ રહ્યું છે કે, દેશની જનતાએ કોંગ્રેસ કે વિરોધ પક્ષોએ ઉભા કરેલા એક પણ મુદ્દાને સ્વિકાર્યા નથી. પરંતુ ભાજપના રાષ્ટ્રપ્રેમ તથા દેશની સલામતીના મુદ્દાને ખુશીથી સ્વિકારી લીધો છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K6B0WL
via Latest Gujarati News

Post a Comment

0 Comments