ROના વેસ્ટ પાણીના સદ્ઉપયોગથી કરીએ જળનું જતન

આજે મોટાભાગના ઘરોમાં પાણીને શુદ્ધ કરવા આરઓનો ઉપયોગ થયો હોય છે. શુદ્ધ પાણી હેલ્થ માટે કેટલું હેલ્ધી છે એની વાત આજે નથી કરવી પણ એ શુદ્ધ પાણીની સામે જે ૬૦ ટકા પાણી વેસ્ટ થઇ રહ્યું છે, એની વાત કરવી છે.  શહેરની માંડ ૧૫ ટકા મહિલાઓ આરઓના વેસ્ટ પાણીનો ઘર વપરાશમાં ઉપયોગ કરે છે. આજે જળની જે સમસ્યા સર્જાઇ છે. એવી સ્થિતિમાં આરઓ દ્વારા વેસ્ટ થઇ રહેલા પાણી વિશે વિચારવું રહ્યું.

કામવાળા બહેનને પણ RO અને ACના વેસ્ટ પાણીનો ઉપયોગ કરવા કહ્યું

અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. તેથી સવારે અને સાંજે એમ બે વખત આરઓ ભરવું પડે છે, જેમાં ટોટલ ચાર ડોલ પાણી વેસ્ટ તરીકે બહાર નીકળે છે. એ વેસ્ટેજ પાણી સીધું ચોકડીમાં જાય એ રીતે પાઇપ સેટ કર્યો છે. ચોકડીમાં મોટો ટબ મૂકી રાખ્યો છે. એ પાણી પોતામાં, ટોઇલેટ ક્લિનિંગમાં અને વાસણ ઘસવામાં કરીએ છીએ. અમારા કામવાળા બહેનને પણ એ જ પાણી યુઝ કરવાની સૂચના આપી છે. અમે એસીનું પાણી પણ છોડમાં નાંખીને તેનો ઉપયોગ કરીએ છીએ. - કિરણ માઘાણી, અક્ષરધામ ટેનામેન્ટ, કૃષ્ણનગર

પાણીની બચત કરીએ નહીં તો ભવિષ્યમાં ફાંફા મારવા પડશે

'અમારા કિચનને અડીને જ વોશિંગ એરિયા છે, તેથી આરઓના વેસ્ટ પાણીની લાઇન ત્યાં સુધી લાંબી કરાવી છે. આ પાણીનો વાસણ અને પોતામાં ઉપયોગ થાય એવી ગોઠવણ કરી છે. જેથી પાણીની બચત કરી શકાય. અત્યારે પાણીની તંગી વર્તાઇ રહી છે. આપણને નળ ચાલુ કરતાંની સાથે પાણી મળી રહે છે, પરંતુ જેમને પીવાના પાણી માટે ફાંફાં મારવા પડે છે, તેમનું વિચારીને પણ પાણીની બચત કરવી જોઇએ. ' - સીમા પરમાર, વંદેમાતરમ આઇકોન, ગોતા

આરઓમાંથી સાત ડોલ પાણી વેસ્ટ થાય છે તેનો પણ ઉપયોગ કરું

'પહેલાં આરઓના વેસ્ટ પાણીનો અમે ઉપયોગ નહોતા કરતાં પણ જ્યારથી અમારે ત્યાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે, ત્યારથી પાણીની બચત કરતાં થઇ ગયાં છીએ. એક માટલું ભરું ત્યારે સામે ત્રણ ડોલ વેસ્ટેજ પાણી નીકળે છે. રસોઇ બનાવવામાં પણ હું આરઓનું પાણી વાપરું છું. એટલે આખા દિવસ દરમિયાન ૭ ડોલ જેટલું પાણી વેસ્ટ થાય છે. એના ઉપયોગ વાસણ ઘસવા, પોતા કરવા અને ટોઇલેટ સાફ કરવામાં કરું છું.આપણે પાણીની બચત નહીં કરીએ તો પાછળની પેઠી માટે પાણી દુર્લભ થઇ જશે.'- કૂંજલ બ્રહ્મભટ્ટ, શાશ્વત ફલેટ, વસ્ત્રાલ  

પાણી બચાવવા અઠવાડિયામાં ૩ વખત વોશિંગ મશીન વાપરું છું

'અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને આરઓનું પાણી રસોઇમાં વાપરતાં નથી. આરઓમાંથી જે વેસ્ટે પાણી બહાર નીકળે ત્યાં ડોલ મૂકી દઇએ છીએ. ડોલ ભરાય એ પાણી પોતામાં અને પછી વાસણ તથા કપડાં ધોવામાં ઉપયોગમાં લઇએ છીએ. પાણીની બચત થાય એટલે અઠવાડિયામાં ત્રણ વખત જ વોશિંગ મશીન વાપરીએ છીએ. આપણે પાણીની તંગી નથી એટલે લોકોને તેની વેલ્યુ નથી. પાણીની કદર કરી તેને બચાવવું જોઇએ.' - પિંકલ ચૌહાણ, તુલસી કુંજ સોસાયટી, ઘોડાસર

કિંમત

ઘરે વપરાશના આરઓ ૫ હજારથી શરૃ કરી આશરે ૨૭ હજાર સુધીની કિંમતના આવે છે. જ્યારે કોમર્શિયલ આરઓ અઢી લાખ સુધીની આસપાસ પડે છે. 

કેપેસિટી 

ચારથી છ લિટર પાણીથી શરૃ કરી ૨૫ લિટર પાણી સ્ટોરેજ થાય એટલી કેપેસિટી ધરાવતા વિવિધ પ્રકારના આરઓ બજારમાં છે. 

૬૦% લોકો ૫ હજારથી માંડી સાડા છ હજાર સુધીનું આરઓ ખરીદે છે.

૪૦-૬૦% આરઓમાં પાણી સ્ટોરેજ થાય એમાં ૪૦ -૬૦ ટકાનો રેસિયો હોય છે. એટલે કે ૪૦ ટકા શુદ્ધ પાણી સ્ટોરેજ થાય ત્યારે એની સામે ૬૦ ટકા પાણી વેસ્ટજ નીકળે છે. 



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MdigHJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments