પાવરફૂલ પેસર્સ V/S સુપર સ્પિનર્સ

ઈંગ્લેન્ડની ભૂમિ બનશે ટોચના બોલર્સનું બેટલ-ગ્રાઉન્ડ

ક્રિકેટનો વિશ્વકપ તેની વતનની ભૂમિ પર પાછો ફર્યો છે, ત્યારે વિશ્વના ટોચના ૧૦ દેશો વન ડે ક્રિકેટમાં પોતાની બાદશાહત સાબિત કરવા માટે કમર કસી રહ્યા છે. ઈંગ્લેન્ડની ભૂમિ પર ખેલાનારા આગામી વર્લ્ડકપમાં બેટ્સમેનોની બોલબાલા રહેશે તેમ મનાય છે. જોકે, ક્રિકેટના જાણકારો અને વર્લ્ડકપમાં ભાગ લેવા પહોંચેલી ટીમોના મેનેજમેન્ટ માને છે કે, બેટ્સમેનો માટેની સ્વર્ગ સમી પીચ પર જે ટીમ સારી બોલિંગ કરશે તે જ વિજેતા બનશે.

સૌથી રસપ્રદ બાબત એ પણ છે કે, ઈંગ્લેન્ડની પીચનું વલણ આ વખતે કેવું રહેશે તે હજુ કોઈ કળી શક્યું નથી. તાજેતરની ઈંગ્લેન્ડ-પાકિસ્તાનની વન ડે શ્રેણીમાં તો હાઈસ્કોરિંગ મુકાબલા જોવા મળ્યા હતા, પણ વર્લ્ડકપમાં તેવું જ બનશે તેની કોઈ ખાતરી નથી. વરસાદી માહૌલ અચાનક પીચનો મિજાજ બદલી શકે તેમ છે.

આ કારણે દરેક ટીમો ક્વોલિટી ફાસ્ટરોની સાથે અસરકારક સ્પિનર્સની સાથે ઈંગ્લેન્ડ આવી પહોંચી છે. છેલ્લા એક દસકાથી ઈંગ્લેન્ડની પીચો પર પહેલા જેવી ફાસ્ટરોને મદદ મળતી નથી અને આ કારણે સ્પિનરો પણ ઉપયોગી સાબિત થશે તે નિશ્ચિત છે. આવી પરિસ્થિતિમાં પાવરફૂલ પેસર્સ અને સેન્સેશનલ સ્પિનર્સ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળશે.


જસપ્રીત બુમરાહ 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ઘાતક ફાસ્ટ બોલર તરીકેની ઓળખ ધરાવતા ભારતીય ફાસ્ટર બુમરાહની સ્ટ્રેન્થ તેના યોર્કર છે. તે અચાનક ધીમા બોલ નાંખીને બેટ્સમેનને મૂંઝવી પણ શકે છે. બુમરાહ ૪૯ વન ડેમાં ૮૫ વિકેટ ઝડપી ચૂક્યો છે અને હાલ વન ડેના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન છે.


રાશિદખાન
દુનિયાભરની ટી-૨૦ લીગમાં રમીને પોતાની કુશળતા સાબિત કરનારા રાશિદખાનની ગૂગલી ભલભલા આંતરરાષ્ટ્રીય સ્તરના ધુરંધરોને પેવેલિયન ભેગી કરતી જોવા મળી છે. રાશિદની કાતિલ બોલિંગને સહારે અફઘાનિસ્તાન મેજર અપસટેસ સર્જવાની ક્ષમતા ધરાવે છે. તેણે ૫૯ વન ડેમાં ૧૨૫ વિકેટ ઝડપી છે અને તેની ઈકોનોમી ૩.૯૦ની રહી છે. 

પૅટ કમિન્સ 
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કમિન્સે તેની ફાસ્ટ બોલિંગને સહારે આગવી ઓળખ ઉભી કરી છે. ઓસ્ટ્રેલિયાના નંબર વન બોલર તરીકે પ્રસ્થાપિત થયેલા કમિન્સે ૪૮ વન ડેમાં ૮૨ વિકેટ ઝડપી છે. સ્ટાર્કની ચમકમાં થોડો ઘટાડો થયો છે,ત્યારે આગામી વર્લ્ડ કપમાં કમિન્સ ઓસ્ટ્રેલિયાનો મુખ્ય બોલર રહેશે.

લસિત મલિંગા
શ્રીલંકાના વેટરન ફાસ્ટ બોલર મલિંગાના બહોળા અનુભવની તુલનામાં અન્ય તમામ બોલરો ઉણા ઉતરે તેમ છે. આઇપીએલની ફાઈનલમાં મુંબઈને આખરી બોલ પર નાટકીય સફળતા અપાવનારો મલિંગા ૨૧૮ વન ડેમાં ૩૨૨ વિકેટ ઝડપી ચૂક્યો છે. વર્લ્ડકપમાં ચાર બોલમાં ૪ વિકેટનો રેકોર્ડ તેના નામે છે.

કાંગીસો રબાડા
એકથી એક ચડિયાતા ફાસ્ટબોલરો આપવા માટે જાણીતા સાઉથ આફ્રિકાની બોલિંગનો મદાર રબાડા પર ટકેલો છે. આઇપીએલમાં તરખાટ મચાવનારા રબાડાને જો ઈજાનું ગ્રહણ નહિ સતાવે તો તે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જમણેરી ફાસ્ટ બોલર રબાડા પાંચ વર્ષની કારકિર્દીમાં ૬૬ વન ડેમાં ૧૦૬ વિકેટ ઝડપી ચૂક્યો છે. 

ક્રિસ વોક્સ 
ઘરઆંગણે વર્લ્ડકપ રમી રહેલા ઈંગ્લેન્ડના ટોચના ફાસ્ટર વોક્સની કુશળતા તેની ઝડપમાં રહેલી છે. અત્યાર સુધી વોક્સ ૮૮ વન ડેમાં ૧૨૬ વિકેટ ઝડપી ચૂક્યો છે. ચાલુ વર્ષે તેણે ૮ વન ડેમાં ૧૩ વિકેટ ઝડપી છે. છ ફૂટ અને બે ઈંચની ઉંચાઈ ધરાવતા વોક્સે આખરી બે મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી ફોર્મ સાબિત કર્યું છે.

કુલદીપ-ચહલ
ભારતીય લેગસ્પિનર કુલદીપ યાદવ અને ઓફ સ્પિનર યઝવેન્દ્ર ચહલની જોડી વર્લ્ડકપમાં જાદુ ચલાવવા માટે તૈયાર છે. રિસ્ટ સ્પિનર્સની ભારતીય જોડી છેલ્લા ત્રણ જ વર્ષમાં કુલ મળીને ૧૫૯ વિકેટ ઝડપી ચૂકી છે. ઓફ અને લેગ સ્પિનના કોમ્બિનેશનને કારણે ભલભલી ટીમોને મુંઝવતા આ બંને ખેલાડીઓને સાથીઓ મજાકમાં 'કુલ-ચા' પણ કહે છે.


ઈમરાન તાહીર
પાકિસ્તાનમાં જન્મેલા સાઉથ આફ્રિકી સ્પિનર તાહીર વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલો સૌથી વયસ્ક ખેલાડી છે. ૪૦ વર્ષનો તાહીર ૯૮ વન ડેમાં ૧૬૨ વિકેટ ઝડપી ચૂક્યો છે અને તેની ઈકોનોમી ૪.૬૨ની રહી છે. છેલ્લા ચાર વર્ષમાં સાઉથ આફ્રિકાની સફળતાના પાયામાં રહેલા તાહીરે આઇપીએલમાં જોરદાર ફોર્મ દેખાડયું હતુ.જે હવે વર્લ્ડકપમાં આગળ ધપાવશે.

આદિલ રાશિદ 
ઈંગ્લેન્ડના લેગસ્પિનર રાશિદના હાથમાં યજમાનોની સફળતાનો મદાર ટકેલો છે. ૮૮ વન ડેમાં ૧૩૨ વિકેટ ઝડપી ચૂકેલા રાશિદનું ફોર્મ ઉત્સાહજનક છે. તેણે ૧૦ વન ડેમાં ૧૩ વિકેટ ઝડપી છે. જોકે તેની ઈકોનોમી ૬.૭૦ની રહી છે. 


એડમ ઝામ્પા
ઓસ્ટ્રેલિયાના આ યુવા સ્પિનરે ભારતને ઘરઆંગણે વન ડે શ્રેણીમાં હરાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ૨૭ વર્ષનો ઝામ્પા ૪૪ વન ડેમાં ૬૦ વિકેટ ઝડપી ચૂક્યો છે. ઝામ્પાએ ચાલુ વર્ષે ૧૩ વન ડેમાં ૧૮ વિકેટ ઝડપી હતી. 

ટ્રેન્ટ બોઉલ્ટ (ન્યુઝિલેન્ડ)

વન ડે: ૭૯

વિકેટ: ૧૪૭

બેસ્ટ: ૭/૩૪

ઈકોનોમી: ૫.૦૭

મોહમ્મદ આમેર  (પાકિસ્તાન)

વન ડે: ૫૧

વિકેટ: ૬૦

બેસ્ટ: ૪/૨૮

ઈકોનોમી: ૪.૭૮

મુસ્ફિકુઝુર રહમાન  (બાંગ્લાદેશ)

વન ડે: ૪૬

વિકેટ:૮૩

બેસ્ટ: ૬/૪૩

ઈકોનોમી: ૪.૮૮

ક્રેમેર રોચ (વિન્ડિઝ)

વન ડે: ૮૫

વિકેટ: ૧૧૭

બેસ્ટ: ૬/૨૭

ઈકોનોમી: ૫.૦૭

દવલ્ત ઝદરન  (અફઘાનિસ્તાન)

વન ડે: ૭૭

વિકેટ: ૧૦૭

બેસ્ટ: ૪/૨૨

ઈકોનોમી: ૫.૩૨

શાકીબ  (બાંગ્લાદેશ) 

શદાબ ખાન (પાકિસ્તાન)

વન ડે : ૩૪

વિકેટ: ૪૭

બેસ્ટ: ૪/૨૮

ઈકોનોમી: ૪.૮૦

જીવન મેન્ડિસ  (શ્રીલંકા)

વન ડે: ૫૫

વિકેટ: ૨૮

બેસ્ટ : ૩/૧૫

ઈકોનોમી:૫.૦૮



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XglCe9
via Latest Gujarati News

Post a Comment

0 Comments