
નવ વર્ષનો સૌથી નીચો દર : રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને ૫.૫૦ ટકા કરાયો : વર્ષમાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડયો : હોમ, કાર જેવી લોન સસ્તી થવાની ગ્રાહકોને આશા
નવી દિલ્હી, તા. 6 જૂન, 2019, ગુરૂવાર
આરબીઆઇએ વર્ષમાં ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો થાય તે તરફ નિર્ણયો લીધા છે, જેને પગલે ઘર, ઓટો સહીતની કેટલીક લોનમાં હવે વ્યાજ દર ઘટશે તો ગ્રાહકોને થોડી રાહત થશે. આરબીઆઇએ હાલ ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે જેને પગલે નવ વર્ષમાં વ્યાજ દર સૌથી નીચે રહ્યો છે.
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી સમિતિ (એમપીસી)ના દરેક છ સભ્યોએ સહમતીથી રેપો રેટમાં ૦.૨૫ ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. જે સાથે જ હવે રેપો રેટ ૬.૦ ટકાથી ઘટીને ૫.૭૫ ટકા થઇ ગયો છે. રેપો રેટ ઉપરાંત આરબીઆઇએ રિવર્સ રેપો રેટને ૫.૫૦ અને બેંક રેટને ૬ ટકા કરી દીધો છે.
આરબીઆઇની આ મહત્વપૂર્ણ નિર્ણય લેનારી સમિતીની આગેવાની બેંકના ગવર્નર શક્તિકાંત દાસે લીધી હતી. આર્થિક વિકાસની ગતી ધીમી પડતા આરબીઆઇ પર આ ઘટાડા માટે દબાણ વધી રહ્યું હતું. આ પરિસ્થિતિ વચ્ચે હવે આરબીઆઇએ રેપા રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતા હોમ અને ઓટો લોન સસ્તા થઇ શકે છે.
દેશમાં જીડીપી દર પાંચ વર્ષના તળીએ પહોંચી ગયો છે, હાલ જીડીપી દર ૫.૮ ટકા પર પહોંચી ગયો છે. આરબીઆઇએ એવી આશા વ્યક્ત કરી છે કે જીડીપી દર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૭ ટકા પ્રાપ્ત કરી શકાશે. જોકે અગાઉ આ ટકાવારી ૭.૨ હતી તેથી તેમાં ૦.૨ ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે એટલે અગાઉ કરતા ઓછો વિકાસ દર હાસલ થાય તેવું અનુમાન છે.
રેપો રેટ સસ્તા થવાથી હોમ લોન અને કાર લોન સસ્તા થવાની શક્યતાઓ છે. ગ્રાહકોને ઇએમઆઇમાં પણ સવલતો મળી રહેશે. જોકે જે લોકો જમા કરી રહ્યા છે તેને જમા કરવા પર ઓછી આવક થશે.
ભારત ઝડપથી વિકાસ કરી રહેલી ઇકોનોમીનુ જે સ્ટેટસ હતું તે ખોઇ બેઠો છે જેને પગલે આરબીઆઇએ આ પગલુ લેવુ પડી રહ્યું હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. રેપો રેટ ઘટાડવાથી લોકો બેંકો પાસેથી લોન લેવા પ્રેરીત થશે અને માર્કેટમાં પૈસાની તરલતા વધશે જે હેતુથી આર્થિક સુધારા થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કરેલા દાવા
- છેલ્લા છ માસમાં આર્થિક સ્થિતિમાં સુધારો થયો
- હાલ મોંઘવારીમાં કોઇ મોટો બદલાવ નથી જોવા મળ્યો
- સર્વિસ સેક્ટરના ગ્રોથમાં સુધારા જોવા મળ્યા
- સિસ્ટમમાં પુરતી લિક્વિડીટી ઉપસ્થિત છે
- દરેક ઉભરી રહેલા માર્કેટની કરન્સીમાં નરમાઇ રહી
- ૧૩ જૂને ઓએમઓ દ્વારા માર્કેટમાં નાણા નાખવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zba38k
via Latest Gujarati News
0 Comments