પંજાબમાં કોંગ્રેસના મતભેદો ચરમસીમાએ કેપ્ટને સિદ્ધુનું મંત્રાલય બદલી નાખ્યું


મુખ્યમંત્રીએ જે બે જિલ્લાની જવાબદારી સોંપી હતી ત્યાં કોંગ્રેસનો વિજય થયો છે : સિદ્ધુએ પોતાનો બચાવ કર્યો 

ચૂંટણી પરિણામો પછી પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસની હાર માટે સિદ્ધુના પાકિસ્તાન પ્રેમને જવાબદાર ગણાવ્યો હતો

(પીટીઆઈ) ચંડીગઢ, તા. 6 જૂન, 2019, ગુરૂવાર

પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે શરૃઆતથી જ મતભેદો પ્રવર્તી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ફરી વખત બંને નેતાઓના મતભેદો સપાટી ઉપર આવ્યા છે. સિદ્ધુએ પ્રેસકોન્ફરન્સ કરીને કેપ્ટનને પડકાર ફેંક્યો છે. તો કેપ્ટને સિદ્ધુનું મંત્રાલય જ બદલી નાખ્યું હતું. સિદ્ધુ પાસેથી શહેરી વિકાસ મંત્રાલય પાછું લઈને તેને ઉર્જા મંત્રાલયની ફાળવણી કરી હતી.

પંજાબ કોંગ્રેસના મુખ્યમત્રી અમરિંદર સિંહની કેબિનેટ બેઠક મળી હતી. એક માત્ર સિદ્ધુ એવા મંત્રી હતા, જેમણે એ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પંજાબ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી રહી હતી. પરંતુ સિદ્ધુએ તેમાં હાજરી ન આપતા અટકળો તીવ્ર બની હતી.

એ દરમિયાન સિદ્ધુએ અલગથી પ્રેસ કોન્ફરન્સ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તેને પૂરતું મહત્વ આપવામાં આવી રહ્યું નથી અને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવી રહ્યો છે. હાર માટે તેના ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે, પરંતુ કોંગ્રેસની પંજાબમાં જ્યાં હાર થઈ છે તેના માટે તેનો કોઈ દોષ નથી.

તે કોઈ વ્યક્તિને જવાબ આપવા બંધાયેલા નથી પરંતુ પંજાબના લોકોને જવાબ આપવા બંધાયેલા છે એવું કહીને સિદ્ધુએ આક્રમક મિજાજમાં કેપ્ટન સામે રીતસર બળવો કર્યો હતો. સિદ્ધુએ કેબિનેટ બેઠકમાં સામેલ ન થવા બાબતે કહ્યું હતું કે સરકારી આમંત્રણ મળ્યું હતું, પરંતુ મારા બોસને મારા ઉપર વિશ્વાસ જ રહ્યો નથી તો બેઠકમાં જઈને શું કરું? બેઠકમાં મારા વિભાગની ચર્ચાનો કોઈ એજન્ડા રાખવામાં આવ્યો ન હતો.

સિદ્ધુએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે તેમને મુખ્યમંત્રીએ ચૂંટણી અગાઉ બે જિલ્લાની જવાબદારી સોંપી હતી અને એ બંને જિલ્લામાં કોંગ્રેસનો વિજય થયો છે. શહેરી વિસ્તારમાં જ્યાં પણ કોંગ્રેસનો વિજય થયો છે તેની ક્રેડિટ લેતા સિદ્ધુએ કહ્યું હતું કે શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો તેની પાસે છે અને તેની કામગીરી સારી હોવાથી જ શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ સારો થયો છે.

સિદ્ધુના આ તેવર પછી કેપ્ટન અમરિંદર સિંહે પણ વળતું એક્શન લીધું હતું કે અને સિદ્ધુ પાસેથી શહેરી વિકાસ મંત્રાલય પાછું લઈ લીધું હતું. તેના બદલે સિદ્ધુને ઉર્જા મંત્રાલય અને લોકલ સરકારી વિભાગ અપાયો હતો. કેપ્ટને શહેરી વિકાસ મંત્રાલય જેવા મહત્વના મંત્રાલયને બદલે ઓછા મહત્વના મંત્રાલયની ફાળવણી કરતા મતભેદો વધે તે શક્યતા નકારી શકાતી નથી. 

ચૂંટણીના પરિણામો પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ ઉપર આરોપ મૂકતા કહ્યું હતું કે સિદ્ધુના પાકિસ્તાન પ્રેમના કારણે પંજાબમાં કોંગ્રેસને ધારી એટલી સફળતા મળી ન હતી. સિદ્ધુના આધેધડ નિવેદનોના કારણે કોંગ્રેસનો પરાજય થયો છે અને પાકિસ્તાની લશ્કરના અધિકારી બાજવાને ભેટવાના કારણે મતદારો કોંગ્રેસની નારાજ થયા હતા એવું ય અમરિંદરે કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2InCmcZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments