બિહારમાં 'ચમકી'નો કહેર, બાળકોના મોતની સંખ્યા 135 પર પહોંચી

પટના, તા.20 જૂન 2019, ગુરૂવાર

બિહારમાં ચમકી તાવનો કહેર વધુને વધુ બાળકોને ભરખી રહ્યો છે. આ તાવના કારણે મોતને ભેટેલા બાળકોનો આંકડો 135 પર પહોંચ્યો છે.

બાળકોના મોતથી આખા દેશમાં હાહાકાર છે ત્યારે બિહાર સરકાર આ મુદ્દે ખામોશ છે. બિહારમાં એકલા મુઝ્ઝફરપુરમાં જ 117 બાળકોના મોત થયા છે. 12 મોત મોતિહારી અને 6 મોત બેગૂસરાઈમાં થઈ છે. બીજી તરફ સીએમ નિતિશકુમાર દિલ્હીમાં છે તો ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર પટનામાં છે.

બીજી તરફ ગઈકાલે વધુ 16 બાળકોને આ બીમારીના કારણે મુઝ્ઝફરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોતિહારીમાં બીજા 19 અને બેગૂસરાયમાં 3 નવા કેસ સામે આવ્યા છે. મુઝ્ઝફરપુર મેડિકલ કોલેજમાં સરકાર હવે રહી રહીને બદલાવ લાવી રહી છે.

હોસ્પિટલમાં કૂલર અને એસી લગાડાઈ રહ્યા છે પણ વીજળીના ધાંધિયા નડી રહ્યા છે. હવે વીજળી સપ્લાય માટે હોસ્પિટલને અલાયદુ ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે 15 લોકોની ટીમ મદદ માટે મોકલી છે. આઈસીયુમાં નવા 17 બેડ ઉમેરવામાં આવ્યા છે.

હોસ્પિટલના કેદી વોર્ડને બાળકોના વોર્ડમાં ફેરવી નાંખવામાં આવ્યો છે. મુઝ્ઝફરપુરના તંત્ર દ્વારા જાગૃતિ ફેલાવવા માટે 32 લોકોની ટીમ બનાવાઈ છે. 10 વધારાની એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે. જોકે આ જ વ્યવસ્થા પહેલા કરાઈ હોત તો આટલા બાળકોને જીવ ના ગુમાવવો પડ્યો હોત.

આ બીમારીનો ડર આસપાસના રાજ્યોને પણ સતાવી રહ્યો છે. ઓરિસ્સા, રાજસ્થાન અને ઝારખંડ સરકારે સ્વાસ્થ્ય વિભાગને સતર્ક રહેવા જણાવ્યુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IXtcnH
via Latest Gujarati News

Post a Comment

0 Comments