
- આ બીમારીથી થતાં મોત ઘટયાનું હજુ ત્રીજી જૂને આરોગ્ય પ્રધાને જાહેર કર્યું તે પછીના દિવસોમાં જ રોગે કેર વરતાવ્યો
મુંબઈ, તા. 22 જૂન 2019, શનિવાર
આ વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ સુધીના મહિનાઓની તુલનાએ મે માસમાં સ્વાઇન ફ્લૂના કારણે થતાં લોકોનાં મોતની સંખ્યા ઘટયાનું મહારાષ્ટ્રના લોક આરોગ્ય ખાતાના પ્રધાને ત્રીજી જૂને જાહેર કર્યું હતું. પરંતુ તે પછી પસાર થયેલા આ મહિનાના બાકીના દિવસોમાં આ બીમારીથી થતાં મોતની સંખ્યાએ ફરી ઉથલો માર્યો છે.
આરોગ્ય પ્રધાનના જણાવ્યા મુજબ રાજ્યમાં આ બીમારીના કેસ તથા તેથી થતાં મોતની સંખ્યા ઘટયા છે. મેની પહેલીથી દસમી તારીખ સુધીમાં ચાર લોકોનાં મોત થયા હતાં. જ્યારે આ મહિનાના બાકીના દિવસોમાં એક પણ મોત થયું નહોતું. આ સાથે સ્વાઇન ફ્લૂના દરદીઓની સંખ્યા પણ ઘટી છે.
લોક આરોગ્ય ખાતો જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં હાલમાં સ્વાઇન ફ્લૂનો માત્ર એક જ દરદી વેન્ટિલેટર પર રખાયેલો છે. આ બીમારીના કેસ તથા તેથી થતી જાનહાનિ ઘટાડવા આરોગ્ય ખાતું પ્રતિબંધક પગલાં લઈ રહ્યું છે એમ આરોગ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.
આ વર્ષની મહિનાવાર માહિતી જોઈએ તો જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લૂના ૧૧૦ દરદીઓ હતા અને આ બીમારીમાં ૨૬ દરદીનાં મોત થયાં હતા. ફેબુ્રઆરી ૪૦૧ દરદી અને ૪૮ના મોત, માર્ચમાં ૫૮૫ દરદી અને ૬૩ના મોત, એપ્રિલમાં ૩૨૮ દરદી અને ૩૫ના મોત જ્યારે મેમાં ૧૮૮ દરદી અને ચારના મોત નોંધાયા હતા.
આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૮૮ લોકોને સ્વાઇન ફ્લૂ ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ ૩૪ જણના મોત નાશિકમાં થયા છે. તે પછીના ક્રમે ૨૫ મોત નાગપુર, ૧૬ મોત અહમદનગર તથા ૧૩ મોત પુણેમાં થયાં હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L6bpxz
via Latest Gujarati News
0 Comments