રાજ્યવ્યાપી ચેક-અપ ઝુંબેશમાં કેન્સરના આશરે 20 હજાર શંકાસ્પદ દર્દીઓ મળ્યાં


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.9 જૂન 2019, રવિવાર

તમાકૂના સેવનને કારણે થતાં કેન્સરને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રમાં ચલાવેલી રાજ્યવ્યાપી તપાસણી ઝુંબેશમાં ૩૦ લાખ લોકોનું ચેક-અપ કરવામાં આવ્યું. આ તપાસણી દરમ્યાન મોઢાના કેન્સરના લક્ષણો ધરાવતાં ૧૮,૬૭૭ દર્દીઓ મળી આવ્યાં છે. આજ સમયે તપાસમાં સામેલ થયેલ મહિલાઓમાંથી પણ ૨૦૭૪ મહિલાઓમાં સ્તનના કેન્સરના લક્ષણો જોવા મળ્યાં છે. આમ, કુલ ૨૦,૭૫૧ કર્કરોગના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં છે. 

રાજ્યના ગ્રામીણ ભાગમાં તમાકૂસેવનનું વ્યસન વધુ જોવા મળતું હોઈ તે દર્દીઓને વહેલીતકે બીજા તબક્કા દરમ્યાન સારવાર પૂરી પાડવામાં આવશે. રાજ્યમાં વધતાં કેન્સરના રોગને અંકુશમાં લાવવા અત્યાધુનિક સુવિધાઓ સાથે વિવિધ સંકલ્પનાઓ રજૂ કરાઈ છે. 

ફેબુ્રઆરીથી માર્ચ દરમ્યાન આરોગ્ય વિભાગે ચલાવેલ ઝુંબેશમાં નાગપુરમાં સૌથી વધુ ૮૭૨૩ મોંઢાના કેન્સરના દર્દીઓ મળ્યાં તો પૂણે, અકોલા અને લાતુર વિભાગમાં ૧૮૦૦ની આસપાસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં છે. 

મોઢું ખોલી ન શકાય, મોંઢામાં ૧૫ દિવસથી વધુના સમયથી છાલાં પડયાં હોય કે મોં પર લાલ પીળા પટ્ટા જેવી નિશાની જોવા મળે તો તેમને શંકાસ્પદ દર્દી તરીકે નોંધ કરવામાં આવે છે. આજ તપાસણી દરમ્યાન બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ પણ મોટાં પ્રમાણમાં મળ્યાં હોવાનું આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I3S7Hc
via Latest Gujarati News

Post a Comment

0 Comments