
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 27 જૂન 2019, ગુરુવાર
શહેરને પાણી પુરવઠો પૂરો પુરવઠો માંડતા જળાશયોમાં માત્ર પાંચ ટકા પાણીનો જથ્થો જમા છે. પણ આગામી ૩૪ દિવસ સુધી એટલે કે ૩૧ જુલાઈ સુધી મુંબઈગરાને પાણી પુરવઠો યોગ્ય રીતે વિતરણ કરી શકાય એવું નિયોજન કરાયું છે. જોકે મુંબઈગરાએ પાણી સાચવીને વાપરવું અને વેડફાટ કરવો નહિ. ભલે જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો હોય પણ ભાતસા અને અપરવૈતરણા જળાશયોના રિઝર્વ ક્વોટામાંથી પાણી ઉલેચવાનું શરૂ કર્યું છે.
મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં મોડકસાગર, વિહાર, તુલસી, તાનસા, અપર વૈતરણા, ભાતસા અને મિડલ વૈતરણા એમ આજે સાતેય જળાશય મળીને કુલ ૭૧૫૭૪ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા છે. જ્યારે ગત વર્ષે આ દિવસે ૨૭૦૬૬૮ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા હતો. એટલે કે ગત વર્ષની સરખામણીમાં ૯૯૦૯૪ મિલિયન લીટર પાણી ઓછું જમા છે. આમ આજે જળાશયોમાં ૪.૫ ટકા પાણી જમા છે.
અત્યારે વરસાદ પણ વિલંબમાં પડયો છે. આથી ચિંતાનો વિષય છે. આ સમયમાં સામાન્ય રીતે દર વર્ષે જળાશયોમાં લગભગ દોઢથી બે લાખ મિલિયન લીટર નવા પાણીની આવક થાય છે. એમ પાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.
ગયા વર્ષે ચોમાસુ નબળુ પડતાં નવેમ્બર ૨૦૧૮થી મુંબઈમાં ૧૦ ટકા પાણીનો કાપ મૂક્યો હતો. વર્ષ ૨૦૦૯માં વરસાદ ઓછો વરસ્યો હોવાથી પાણીની તકલીફ થઈ હતી. આવી સમસ્યા આ વર્ષે થાય એવી શક્યતા હોવાની ચિંતા કેટલાક વ્યક્ત કરે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RED9dF
via Latest Gujarati News
0 Comments