
ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદમાં સામાન્ય કરતા સાત ડિગ્રી વધીને તાપમાન 47.7, રાજસ્થાનના ગંગાનગરમાં 48.5 ડિગ્રી
નવી દિલ્હી, તા. 9 જૂન, 2019, રવિવાર
ઉત્તર અને મધ્ય ભારતના લોકોને ગરમીના પ્રકોપથી કોઇ જ રાહત મળી નથી. કેરળમાં થયેલા ચોમાસાના આગમન છતા ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી છે. ખાસ કરીને ઉત્તરભારતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારના રોજ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં પણ આ જ પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા રહેલી છે. ઉપરાંત ચોમાસુ મોડું પડવાને લીધે જુન મહિનાના પ્રથમ નવ દિવસ દરમિયાન સામાન્ય કરતા વરસાદમાં ૪૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ચોમાસુ ૮ જુનના રોજ કેરળ પહોંચ્યુ હતું જે સામાન્ય કરતા એક સપ્તાહ મોડુ છે.
રાડજસ્થાનના શ્રીગંગાનગરમાં અધિકત્તમ ૪૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ચુરૂ અને કોટામાં ૪૮.૩ ડિગ્રના લીધે લોકો શેકાયા હતા. પંજાબ અને હરિયાણામાં પણ હીટવેવની સ્થિતિને કારણે લોક ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
હરિયાણાના નારનૌલમાં પારો સામાન્ય તાપમાનથી વધીને ૪૭ ડિગ્રી પર પહોંચ્યો હતો. ભિવાની અને હિસારમાં ૪૫.૯ તથા ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો પંજાબના અમૃતસરમાં પણ સામાન્ય કરતા ચાર ડિગ્રી વધીને ૪૪ ડિગ્રી તાપમાને લોકોને પરેશાન કર્યા હતા. ઉત્તરપ્રદેશ પણ ગરમીમાં લોકોએ શેકાવાનો વારો આવ્યો હતો.
અલ્લાહબાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતુ કેમકે ત્યાં સામાન્ય કરતા સાત ડિગ્રી વધીને પારો ૪૭.૭ પર પહોંય્યો હતો. ઉપરાંત કાનપુરમાં ૪૫.૧ અને વારાણસીમાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ૪૩.૮ ડિગ્રી તાપ વરસ્યો હતો. તો આ તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે કેરળમાં ચોમાસાનું આગમન એક સપ્તાહ મોડું થયુ હોવાથી દેશભરના વિવિધ વિસ્તારોમાં પણ ચોમાસુ બેસવામાં વિલંબ થશે.
ઉપરત જુન મહિનાના પ્રથમ નવ દિવસ દરમિયાન દેશમાં સામાન્ય રીતે ૩૨.૪ મીમી વરસાદ થાય છે જ્યારે આ વર્ષે મોડા ચોમાસાને લીધે ૧૭.૭ મીમી વરસાદ જ થયો છે. જે સામાન્ય કરતા ૪૫ ટકા જેટલો ઓછો છે. ખાસ કરીને મધ્ય ભારતમાં સૌથી વધુ ઓછો વરસાદ થયો છે. તેમાં પણ ગુજરાતમાં આ જુનના પ્રથમ નવ દિવસમાં બિલકુલ વરસાદ થયો નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K72kEN
via Latest Gujarati News
0 Comments