મોદી શ્રીલંકાથી સીધા તિરૂપતિ બાલાજીના દર્શને : જગન રેડ્ડી સાથે મુલાકાત


હૈદરાબાદ, તા. 9 જૂન, 2019, રવિવાર

શ્રીલંકાની યાત્રા પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલંબોથી સીધા આંધ્રપ્રદેશના તિરૃપતિ પહોંચ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બદલ ત્યાં યોજાયેલી વિજયોત્સવ સભામાં તેમણે ભાજપ કાર્યકરોને સંબોધ્યા હતા. ત્યારબાદ તિરૃપતિના વેંકટેશર ભગવાનના દર્શન કર્યા હતા.  એરપોર્ટ પર મોદીના સ્વાગત માટે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી આવ્યા હતા ઉપરાંત મંદિરમાં દર્શન સમયે પણ જગન મોદી સાથે હતા.

શ્રીલંકાતી સીધા તિરૃપતિ નજીકના રેનુગુંટા એરપોર્ટ પર પહોંચેલા વડાપ્રધાન મોદીના સ્વાગત માટે આંધ્રના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી, રાજ્યપાલ, ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના આગેવાનો પહોંચ્યા હતા. ત્યારબાદ મોદીએ તિરૃપતિમાં કાર્યકરોને સભા સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી પરિણામો દ્વારા લોકોએ ભાજપને વધુ ઉજ્જવળ ભારતનું નિર્માણ કરવાની તક આપી છે. 

મોદીએ કહ્યું હતું કે જગન રેડ્ડીના નેતૃત્વ હેઠળ આંધ્ર પ્રદેશનો વધુ વિકાસ થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ આંધ્ર પ્રદેશને વધુને વધુ મદદ કરવા માટે કેન્દ્ર સરકાર પણ હંમેશા તૈયાર રહેશે. ત્યારબાદ મોદી તિરૃપતિમાં વેંકટેશ્વર ભગવાનના દર્શને પહોંચ્યા હતા. ત્યાં જગન રેડ્ડી પણ તેમની સાથે હતા. મંદિરના પૂજારીએ પારંપરિક રીતે વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડાપ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે અને બાદમાં વડાપ્રધાન બન્યા પછી વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં તિરૃપતિ બાલાજીના દર્શન કર્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X5F8ND
via Latest Gujarati News

Post a Comment

0 Comments