
ઉત્તર ચોવીસ પરગણામાં તૃણમૂલના કાર્યકરો ભાજપના ઝંડા ઉતારી રહ્યા હોવાથી વિરોધ કરવામાં આવતા અથડામણ
(પીટીઆઈ) સંદેશખાલી, તા. 9 જૂન, 2019, રવિવાર
પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે રાજકીય હત્યાઓના પ્રમાણમાં ભારે મોટો વધારો થઈ રહ્યો છે. ઉત્તર ૨૪ પરગનામાં શનિવારે રાતે ભાજપના ઝંડા અને પોસ્ટરોને ઉખાડી નાખવાના કારણે ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે વ્યાપક સંઘર્ષ થયો હતો જેમાં ચાર લોકોની કથિત હત્યા થઈ હતી અને ત્રણ જેટલા ઘવાયા હતા.
જો કે પોલીસે મૃતકો અંગે કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું અને સ્થિતિને થાળે પાડવા માટે મોટી સંખ્યામાં દળ મોકલવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સંદેશખાલીના નાજેટ થાણા વિસ્તારમાં ભગવા પાર્ટીના ઝંડાઓને ઉખાડી ફેંકવાના કારણે આ સંઘર્ષની શરુઆત થઈ હતી.
પશ્ચિમ બંગાળના ભાજપના નેતા સાયંતન બસુએ જણાવ્યું કે, તૃણમૂલના ગુંડાઓ તેમની પાર્ટીના ઝંડાને ઉખાડીને ફેંકી દેતા હતા જેનો ભાજપના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી ભાજપના કાર્યકરોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
તેમણે ભાજપના ત્રણ કાર્યકરોના મૃત દેહ મળી આવ્યા હોવાના સમાચારની પૃષ્ટિ કરી હતી અને વધુ બે કાર્યકરોની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે ભાજપના ઝંડા અને પોસ્ટરોને ફેંકવામાં આવી રહ્યા હતા જેનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી અને હજુ ૧૮ કાર્યકર્તાઓ લાપતા છે. બંને પાર્ટીના નેતાઓ દ્વારા તેમના કેટલાક કાર્યકરો લાપતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેથી પોલીસે તેમને શોધવા માટે અભિયાન હાથ ધર્યું હતું.
ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને બંગાળમાં ભાજપ વિરુદ્ધ હિંસા ફેલાવવા માટે તૃણમૂલ કોંગ્રેસ જવાબદાર છે તેેની જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને ટીએમસી નેતા શાહજહાન શેખ ભાજપના કાર્યકરો પર હુમલો કરાવવા જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પણ તેમની પાર્ટીના એક સમર્થકની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઉત્તરી ૨૪ પરગનાના તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ જ્યોતિપ્રિય મલિકે તેમની પાર્ટીના કાર્યકર્તા કયૂમ મોલ્લાની ભાજપના કાર્યકરોએ હત્યા કરી હોવાનો અને ભાજપ જિલ્લાની શાંતિ ભંગ કરતું હોવાનો દાવો કર્યો હતો. મલિકે તેમના છ કાર્યકર્તા લાપતા હોવાની ફરિયાદ કરી હતી અને ભાજપના કાર્યકરોએ તેમની હત્યા કરીને લાશ પાણીમાં ફેંકી દીધી હોવાનો આરોપ લગાવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K6ycJJ
via Latest Gujarati News
0 Comments