પાંચ જવાનોનો ભોગ લેનારા અનંતનાગ હુમલામાં પાકિસ્તાનનો હાથ : જિતેન્દ્રસિંહ


પાક. સેનાએ 74 વખત સરહદમાં ઘૂસણખોરી કરી હતી

નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. એ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો કેન્દ્ર સરકારે કર્યો હતો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણી હોવાની શક્યતા છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે અનંતનાગમાં થયેલો હુમલો પાકિસ્તાનને કરાવ્યો હતો. અનંતનાગના બસ સ્ટેશન પાસે થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા હતા અને ત્રણ જવાનો ઘાયલ થયા હતા. 

સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવા બાબતે કોઈ જ શંકા નથી અને સરકાર તે બાબતે યોગ્ય પગલાં ભરશે.

છેલ્લાં ૧૧ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ૪ મોટા હુમલા થયા હતા. સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવીને આ તમામ આતંકવાદી હુમલાને અંજામ અપાયો હતો. તો બીજી તરફ પાકિસ્તાની સૈન્યએ પણ સતત શસ્ત્ર વિરામ ભંગ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ડિસેમ્બર-૨૦૧૪થી ડિસેમ્બર-૨૦૧૮ દરમિયાન ૧૨૧૩ આતંકવાદી હુમલા થયા હતા. તેમાં ૧૮૩ લોકોના મોત થયા હતા અને ૮૩૮ આતંકવાદીઓને ઠાર કરાયા હતા.

આ આતંકવાદી હુમલા સામે લડીને ભારતીય સુરક્ષાદળોના ૧૯૮ જવાનો શહીદ થયા હતા. તો પાકિસ્તાની સૈન્યએ ત્રણ વર્ષમાં ૪૨૮૧ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. ૭૪ વખત પાક.ના નાપાક સૈન્ય જવાનોએ ભારતની સરહદમાં ઘૂસણખોરી પણ કરી હતી. ભારતીય સૈન્યએ જવાબી જડબાતોડ કાર્યવાહી કરીને તેને ભગાડી દીધા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDqhp1
via Latest Gujarati News

Post a Comment

0 Comments