'વાયુ'એ દિશા બદલતા ગુજરાતને હાશકારો : ઘાત ટળી


સમગ્ર સરકારી તંત્ર સ્ટેન્ડ ટુ પર : મુખ્યમંત્રી વિજય રૃપાણીનું સતત મોનિટરિંગ  

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાયા, વાવાઝોડુ અંતે ઓમાન તરફ ફંટાયું

અમદાવાદ, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર એછેકે, અરબી સમુદ્રમાં ઉદભવેલું વાયુ વાવાઝોડુ હવે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાયુ છે. આ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકશે નહીં .

જોકે, વાવાઝોડાની દિશા જરુર બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ ૪૮ કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે.

ખુદ મુખ્યમંત્રી વિજય રૃપાણી વાવાઝોડાની પરિસ્થિતીનુ સ્ટેટ ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જયાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહી ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે.

વાયુ વાવાઝોડુ અરબી સમુદ્રમાંુ વેરાવળથી ૧૧૦ કીમી અને પોરબંદરથી ૧૫૦ કીમી દુર છે.જાનહાની ટળે તે માટે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યુ હતું. મહેસુલ અગ્ર સચિવ પંકજકુમારે માહિતી આપી કે, વાવાઝોડાની દિશા બદલાઇ છે પણ ખતરો હજુય ટળ્યો નથી. વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં ૧૫૦ કીમીની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડુ પ્રતિ કીમી ૧૮૦ની ઝડપે આગળ ધપી રહ્યુ છે. વાવાઝોડાના કેન્દ્રબિંદુને ધ્યાનમાં લઇને તેની ગંભીરતાનો અંદાજ આવી શકે છે. વાયુ વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કીમી સુધીનો છે. જેની ગંભીરતાને લઇને વાવાઝોડાની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

વાવાઝોડુ ભલે ઓમાન તરફ ફંટાયુ હોય પણ તેની અસરને કારણે ગીર સોમનાથ, જૂનાગઢ,કચ્છ ,પોરબંદરમાં ભારે પવન સાથે દસેક ઇંચ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાક ૧૪૦ની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

નાગરિકોને અપીલ કરવામાં આવી છેકે, આશ્રયસ્થાન કે સુરક્ષિત સ્થળોએ આશરો લેનારાઓએ ૪૮ કલાક સુધી સ્થળ છોડવુ નહીં. અસરગ્રસ્ત લોકોને ભોજન,પાણી સહિત આરોગ્યની સુવિધા આપવામાં આવી રહી છે.અસરગ્રસ્ત દસેક જિલ્લામાં એલર્ટ યથાવત છે. અત્યાર સુધીમાં ત્રણેક લાખ લોકોનુ સ્થળાંતર કરાયુ છે.

વાવાઝોડાને લીધે એસટી , રેલ્વે અને હવાઇ સેવા બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત શાળા કોલેજોમાં ય રજા જાહેર કરવામાં આવી હતી. ઉદ્યોગો,ફેક્ટરીમાં પણ રજાઓ ઘોષિત કરાઇ હતી. વાવાઝોડાથી સંભવિત નુકશાન ધરાવતા વિસ્તારોમાં ૩૮૩ એમ્બ્યુલન્સ વાનો તૈયાર રખાઇ છે.

અસરગ્રસ્ત લોકો માટે દસેક લાખ ફુડપેકેટ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. વિજ પુરવઠો ખોરવાય તો જનરેટરો માટે ડિઝલ પંપની વ્યવસ્થા કરાઇ છે. સંદેશોવ્યવહાર ઠપ થાય તો હેમરેડિયો ,સેટેલાઇટ ફોન ,વીસેટ અને હોટ લાઇનો પણ કાર્યરત કરાઇ હતી.

દરિયાકાંઠાના વિસ્તારોમાં કોસ્ટગાર્ડ અને મરીન સિક્યોરિટી ફોર્સ ,પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. એનડીઆરએફ,રેસ્ક્યૂ ટીમો,એસડીઆરએફ સ્થિતી પર નજર રાખી રહ્યાં છે. આર્મી, એરફોર્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.

હાલમાં પાટનગર ગાંધીનગરમાં ૧૪ આઇએએસ અધિકારીઓ વાવાઝોડાની સ્થિતી પર નજર રાખી સ્થાનિક-જીલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી રહ્યાં છે. વાવાઝોડાનુ સંક્ટ ટળ્યુ છે તેમ સમજવાની જરુર નથી. હજુય વાવાઝોડાની ગંભીરતાને જોતાં સરકાર-તંત્ર એલર્ટ છે. વાવાઝોડુ હજુય સૌરાષ્ટ્ર માટે ભયજનક જ છે જેથી સરકારે ૧૫ જૂન સુધી એલર્ટ યથાવત રાખ્યુ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X8gZFT
via Latest Gujarati News

Post a Comment

0 Comments