લોકસભામાં વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે ફરીથી ત્રિપલ તલાક બિલ રજૂ થયું


જો તલાક આપીને પત્નીને છોડવી એ ગુનો છે તો એવો કાયદો માત્ર મુસ્લિમ પુરુષો પુરતો મર્યાદિત કેમ છે? : શશી થરૂર

કાયદા અંતર્ગત પતિને ત્રણ વર્ષની જેલ થશે પછી પત્નીને આર્થિક મદદ કોણ કરશે? : અસાદુદ્દીન ઔવેસીએ વિરોધ નોંધાવ્યો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.21 જૂન, 2019, શુક્રવાર

લોકસભામાં ત્રિપલ તલાક બિલ મુદ્દે ભારે ચર્ચા જામી હતી. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે સરકારે સુધારા-વધારા સાથેનું નવું ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે બિલ રજૂ કર્યું પછી સંસદમાં સુધારાની માગણી સાથે હોબાળો શરૂ રહ્યો હતો.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં ત્રિપલ તલાક બિલ ફરીથી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવીને બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો હતો. તે પછી ત્રિપલ તલાક બિલ રજૂ કરવા મુદ્દે મતદાન કરાવાયું હતું. બિલ રજૂ કરવાની તરફેણમાં ૧૮૬ મતો પડયા હતા, જ્યારે બિલ રજૂ કરવાના વિરોધમાં ૭૪ મતો પડયા હતા.

બિલ રજૂ થયું તે પછી પણ વિરોધ પક્ષના સાંસદો અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદ વચ્ચે તીવ્ર દલીલો થઈ હતી. મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ બિલ રજૂ કરીને કાયદામંત્રીએ દલીલ કરી હતી કે બંધારણની જોગવાઈ પ્રમાણે મહિલા અને બાળકો માટેના વિશેષ કાયદા બનાવવા બાબતે સરકારને અટકાવી શકાય નહીં. ધર્મ અને કોમને ધ્યાનમાં રાખીને કાયદો ઘડાયો હોવાના આરોપ પછી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ મહિલા સન્માનને લગતો કાયદો છે, તેમાં ધર્મનો મુદ્દો વચ્ચે આવતો નથી.

કોંગ્રેસના સીનિયર સાંસદ શશી થરૂરે રવિશંકર સામે દલીલ કરતા કહ્યું હતું કે જો ખરેખર સરકારને મહિલાઓની સુરક્ષાની ચિંતા હોય તો આ બિલ બધી જ મહિલાઓના સંદર્ભમાં કેમ નથી? જો તલાક આપીને પત્નીને છોડવીએ ગુનો છે તો એવો કાયદો માત્ર મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ પુરુષો પૂરતો જ મર્યાદિત કેમ છે? બધા જ માટે કેમ નથી? બધા સમુદાય માટે આવો કાયદો બનાવવો જોઈએ.

અસાદુદ્દીન ઔવેસીએ પણ રવિશંકર પ્રસાદ સમક્ષ દલીલો રજૂ કરતા કહ્યું હતું કે કાયદાની જોગવાઈ પ્રમાણે ત્રિપલ તલાક આપનારા પતિને ત્રણ વર્ષની જેલ થશે ત્યારે પત્નીને આર્થિક મદદ કેવી રીતે મળશે? એની કોઈ સંતોષકારક વ્યવસ્થા કેમ થઈ નથી? ઔવેસીએ એવી દલીલ પણ રજૂ કરી હતી કે જો મુસ્લિમ ન હોય અન્ય ધર્મ પાળતો પતિ હોય તો તેને એક વર્ષની સજા આપવાની જોગવાઈ છે, તો મુસ્લિમ ધર્મ પાળતા પતિને ત્રણ વર્ષની સજા થશે એવા સંજોગોમાં કાયદાનું પાલન એકસમાન થઈ રહ્યું છે એવું કેવી રીતે કહી શકાશે?

રાજ્યસભામાં પાંચ વર્ષથી પડતર બિલો રદ્ કરવા જોઈએ : વૈકેયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા એવું સૂચન કર્યું હતું કે જે બિલો રાજ્યસભામાં પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી પડતર છે તેમને હવે રદ્ કરવા જોઈએ. એવા બિલ ફરીથી રજૂ થાય એ ઈચ્છનીય છે. રાજ્યસભાના ચેરમેન તરીકે નાયડુએ આ સૂચન કર્યું હતું. તેમણે આ બાબતને સમયના વેડફાટ સાથે સરખાવીને જણાવ્યું હતું કે આ બાબતે ગૃહના સભ્યોએ ગંભીરતાથી વિચારીને સહમતી દર્શાવવી જોઈએ. નાયડુએ બિલનો હિસાબ રજૂ કરતા કહ્યું હતું કે ત્રણ બિલ રાજ્યસભામાં ૨૦ વર્ષથી પેન્ડિંગ છે, જ્યારે ૩૩ બિલ ત્રણથી પાંચ વર્ષથી પેન્ડિંગ પડયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L9CXlx
via Latest Gujarati News

Post a Comment

0 Comments