જીએસપી દરજજો સમાપ્ત કર્યા પછી અમેરિકાની ભારત સામે વધુ આકરા પગલાંની ચેતવણી


ભારતના રીટેલ, ડિજિટલ અને કૃષિ સેક્ટરમાં વેપારના નિયમો સામે અમેરિકાનો વિરોધ 

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.21 જૂન, 2019, શુક્રવાર

ટ્રમ્પ વહીવટી તંત્રે ભારતને ચેતવણી આપી છે કે અયોગ્ય વેપાર નીતિ ચાલુ રાખવા બદલ તે ભારત સામે વધુ કાર્યવાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે એવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે અમેરિકા ભારતીયોને ૧૫ ટકાથી વધુ એચ-૧બી વિઝા નહીં આપવા વિચારણા કરી રહ્યું  છે. 

ભારતનો જીએસપી દરજ્જો સમાપ્ત કરવાની ટ્રમ્પની જાહેરાતના કેટલાક દિવસ પછી યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ રોબર્ટ લાઇટથાઇઝર દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. 

અમેરિકન સંસદ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ભારત જીએસપીનો સૌથી મોટો લાભાર્થી દેશ હતો. ૨૦૧૭માં જીએસપી હેઠળ ભારતે ૫.૭ અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કોઇ પણ ડયુટી વગર કરી હતી. 

લાઇટથાઇઝરે જણાવ્યું હતું કે અમે ઘણા સમય સુધી ભારતની ચિંતા કરી. ભારત એક મોટું અર્થતંત્ર છે અને ભવિષ્યમાં ભારતનું અર્થતંત્ર વધુ વિશાળ બનશે. અમેરિકાના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ માટે ભારતમાં મોટી તક ઉપલબ્ધ બનશે. જો કે બીજી તરફ કેટલાક મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતે અમેરિકાની ૨૮ વસ્તુઓ પરની આયાત ડયુટીમાં વધારો કર્યો છે. અમેરિકા દ્વારા ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાના જવાબમાં ભારતે આ કાર્યવાહી કરી છે.

લાઇટથાઇઝરે જણાવ્યું છે કે ભારત સાથે ડિજિટલ, કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ રહેલી છે. જી-૨૦ શિખર પરિષદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણા થશે. આ અગાઉ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ પણ ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને મળશે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZDSa2c
via Latest Gujarati News

Post a Comment

0 Comments