
લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ અને પરીણામો પણ આવી ગયા છે છતાં પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તુણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જામેલું પ્રચાર યુધ્ધ શાંત થવાનું નામ લેતું નથી. મમતા બેનરજી અને ભાજપ વચ્ચે હવે પોસ્ટકાર્ડ યુધ્ધ શરુ થયું છે. મમતા બેનરજી સરકારે જયશ્રી રામના નારા લગાવી રહેલા ભાજપના કાર્યકર્તા પર કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે ભાજપે જયશ્રી રામ લખેલા લાખો પોસ્ટકાર્ડ મમતા બેનરજીને મોકલવાનું શરુ કર્યુ છે.
જયારે તેના પ્રતિ જવાબમાં મમતાએ જયહિંદ લખેલા પોસ્ટકાર્ડ મોકલવા શરુ કર્યા છે. પોસ્ટકાર્ડ મોકલવાના આ રાજકિય જંગમાં પોસ્ટ ખાતાની મુશ્કેલી વધી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી સાઉથ કોલકત્તામાં આવેલી કાલીઘાટ પોસ્ટ ઓફિસમાં મમતા બેનરજીના નામે લખાયેલા રોજ હજારોની સંખ્યામાં જયશ્રી રામ લખેલા પોસ્ટકાર્ડ રોજ ઠલવાય છે. મમતા બેનરજીનું નિવાસસ્થાન આ પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્રમાં આવે છે.
સામાન્ય રીતે સીએમના નામે રોજ ૨૫ થી ૩૦ પોસ્ટકાર્ડ આવતા તે અચાનક હજારોની સંખ્યામાં આવવા લાગ્યા છે. પોસ્ટ વિભાગ માટે અન્ય સર્વિસની જેમ પોસ્ટકાર્ડ વિતરણ પણ મહત્વનું કામ છે. આથી કાલીઘાટ પોસ્ટ ઓફિસે મમતા બેનરજીની ઓફિસ માટે ખાસ પોસ્ટમેનની નિમણુક કરી છે. આ પોસ્ટમેન સીએમ નિવાસસ્થાને પત્રો પાઠવવા જાય છે. નિવાસસ્થાને કોઇ એક વ્યકિતને સોપીને ટપાલી તરત જ નીકળી જાય છે. આવી જ રીતે રેલવે મેલ સર્વિસ દ્વારા પણ જયશ્રી રામ ના નામવાળા પોસ્ટકાર્ડ અલગ તારવવામાં આવી રહયા છે.
મમતા બેનરજીએ જયશ્રી રામના પોસ્ટકાર્ડથી નારાજ થઇને પોસ્ટકાર્ડનો જવાબ પોસ્ટકાર્ડથી આપવા માટે જય હિંદ, જય બાંગ્લા લખેલા પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવા ચાલું કર્યા છે. આ માટે ટીએમસી રોજના ૮૦૦૦ પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરે છે. બે રાજકિય પાર્ટીઓ વચ્ચેના પોસ્ટકાર્ડ વૉરના કારણે પોસ્ટકાર્ડની તંગી પણ ઉભી થઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WjdUyo
via Latest Gujarati News
0 Comments