મધ્ય પ્રદેશમાં પાવર કટ માટે કમલનાથ સરકારે ચામાચીડિયાને જવાબદાર ઠેરવ્યા


(પીટીઆઈ) ભોપાલ, તા.22 જૂન, 2019, શનિવાર

મધ્ય પ્રદેશમાં વીજ કાપ માટે વિદ્યુત કંપનીના અધિકારીઓએ ચામાચીડિયાને જવાબદાર ઠેરવ્યા છે. અધિકારીઓએ કરેલા દાવા પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને ભોપાલમાં ચામાચીડિયાના કારણે વીજ સપ્લાય લાઈનમાં સમસ્યા ઉદ્ભવી રહી છે. વિદ્યુત પુરવઠા માટેના તારો પર લટકતાં ચામાચીડિયાઓને કારણે શોર્ટ સર્કિટ થાય છે જેથી આઉટેજ સર્જાય છે.

રાજ્ય સરકારના અધિકારીઓએ આપેલા આ નિવેદન મામલે વિપક્ષ ભાજપે સત્તારુઢ કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. ભાજપે આ પ્રકારના બહાના બતાવવાને બદલે વીજ વિભાગ અને રાજ્ય સરકારને જવાબદારીપૂર્વક કામ કરવા માટે સલાહ આપી હતી. આ સમસ્યાને અનુસંધાને કોંગ્રસ સરકારે રાજ્યમાં વીજ સંકટ ન હોવાની અને મધ્ય પ્રદેશ પાસે પર્યાપ્ત માત્રામાં વીજળી હોવાની સ્પષ્ટતા કરી હતી. 

રાજ્યના ઉર્જા મંત્રી પ્રિયવ્રત સિંહે વીજ કાપ માટે ટ્રાન્સફોર્મર ઓવરલોડ હોવાનું કારણ આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે વીજ કાપની સમસ્યા માટે ચામાચીડિયાઓ મુખ્ય કારણ ન હોઈ શકે. તેમણે વીજ કાપ માટે ચામાચીડિયાને જવાબદાર ગણાવનાર અધિકારીની ટીકા કરી હતી અને વીજ પુરવઠા લાઈન સરખી કરવા આદેશ આપ્યા હતા.

સાથે જ તેમણે અધિકારીઓને જ્યાં ચામાચીડિયાને કારણે સમસ્યા જણાઈ રહી છે ત્યાં પર્યાવરણીય મંજૂરી બાદ અલ્ટ્રાસોનિક ડિવાઈસ ઈન્સ્ટોલેશન માટે વિચાર કરવા જણાવ્યું હતું. તેમણે અમુક વિસ્તારોમાં ખિસકોલીઓના કારણે પણ પ્રશ્નો સર્જાતા હોવાનું કહ્યું હતું પરંતુ સાથે જ તે મુખ્ય કારણ ન હોઈ શકે તેવી સ્પષ્ટતા કરીને અનેક વર્ષોથી વીજ પુરવઠા લાઈનનું સમારકામ ન થયું હોવાનું જણાવ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FtXPAe
via Latest Gujarati News

Post a Comment

0 Comments