
ગુજરાત નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે હોવાથી ભાજપને 26 માંથી 26 લોકસભા બેઠકો મળવી સ્વભાવિક છે. બીજુ કે રાજયમાં છેલ્લા 25 વર્ષથી એક ધારું ભાજપનું શાસન હોવાથી સંગઠન પણ મજબૂત છે. જયારે આપણા પાડોશી રાજય રાજસ્થાનની વાત કરી એ તો દર પાંચ વર્ષે સરકાર બદલાઇ જાય છે. રાજસ્થાન આમ તો જાતિઓ, પેટા જાતિઓ અને રીતરિવાજની વિવિધતામાં વહેંચાયેલું છે પરંતુ એક જ પાર્ટીની સરકારને ફરી રિપીટ નહી કરવા બાબતે એક મત રહે છે. ડિસેમ્બર 2018માં લોકસભા ચૂંટણીની સેમી ફાઇનલ જેવા ગણાતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢ રાજયની વિધાનસભાની ચૂંટણી યોજાઇ જેમાં આ ત્રણેય રાજયોમાંથી ભાજપ શાસિત સરકારોએ વિદાય લીધી હતી.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન તો એક નારો વહેતો થયો હતો કે મોદી તુઝ સે બૈર નહી, વસુંધરા તેરી ખૈર નહી. ખરેખર બન્યું પણ એવું 163 બેઠકો પર વિજય મેળવી રાજ કરનારા રાજેના પક્ષનો વિજય રથ માત્ર 73 બેઠકોએ અટકી ગયો હતો. આથી વસુંધરા રાજે માટે લોકોની નારાજગી હતી એ સાબીત થયું. વસુંધરા તેરી ખૈર નહી એ તો જણાઇ આવ્યું પરંતુ મોદી તુજ સે બૈર નહી એ પણ લોકસભાની 25 માંથી 25 બેઠકો મળતા સાબીત થયું છે.
જો કે મતદારોએ માત્ર 6 મહિનામાં મોં ફેરવી લીધું હોય એવું મધ્યપ્રદેશ, છતિસગઢ સહિતના અનેક રાજયોના લોકસભા ચૂંટણીના પરીણામોમાં જોવા મળે છે. કોંગ્રેસને આ નવશાસિત ત્રણ રાજયોમાં સારા પરીણામની અપેક્ષા હતી તે ફળીભૂત થઇ શકી નથી. એવું તો શું બન્યું કે અચાનક જ સુપડા સાફ થઇ ગયા.
આ રાજયોમાં પાંચ વર્ષનો જનાદેશ માત્ર 5 જ મહિનામાં કેમ અનાદર જેવો બની ગયો. ઘણી વાર લોકોમાંથી આવતી વાતો અને નારાઓ પર રાજકિય પંડિતોનું ધ્યાન હોતું નથી. તેઓ જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓના ચોકઠામાં ગોઠવાયેલા રહે છે. આથી રાજકિય વિશ્લેષકો અંડર કરન્ટને જાણી શકતા નથી. ઘણી વાર રાજકિય નારાઓ કરતા લોકોમાં થી સ્વયંભૂ ઉભી થયેલી ભાવના વધારે પાવરફૂલ હોય છે.
જો કે મતદારોની સૂઝબુઝ અને કોઠા સુઝ પણ વધતી જાય છે. તેઓ સ્થાનિક પ્રશ્નો અને રાષ્ટ્રીય બાબતોને જુદી રીતે જોતા થયા છે ઓરિસ્સા પણ તેનું વધુ એક ઉદાહરણ છે. બીજુ જનતાદળ (બીજેડી)ના નવીન પટનાયક સતત પાંચમી વાર ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા છે. જાણે કે તેમને કોઇ એન્ટી ઇમબન્સી નડતી જ ના હોય એમ 113 બેઠકો સાથે વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી.
જો કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે હતી ત્યારે ઘણી વિધાનસભા બેઠકોના મતદારોએ લોકસભા માટે મોદીને અને વિધાનસભામાં નવીન પટનાયકને મત આપ્યા હતા. આમ એક જ સમયે ચૂંટણી થયેલા મતદાન દરમિયાન જરુર પડે ક્રોસ વોટિંગ કરીને પણ સુઝબુઝથી મતદારો મત આપતા થયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WjTI4r
via Latest Gujarati News
0 Comments