મુંબઇ તા. 11 જૂન 2019 મંગળવાર
મોખરાના અભિનેતા-ફિલ્મ સર્જક અજય દેવગણે તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે સુંદર દેખાવા પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું સૂચન મને કરવામાં આવ્યું હતું પરંતુ મેં પ્લાસ્ટિક સર્જરી ન કરાવી.
'મનોરંજન ઉદ્યોગમાં ચોકલેટી હીરો વધુ પંકાતા રહ્યા છે એવી એક માન્યતા છે. ઘણા કલાકારોએ પોતે હોય એના કરતાં વધુ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. મને પણ કેટલાક લોકોએે કહ્યું હતું કે તું પ્લાસ્ટિક સર્જરી કરાવીને થોડો હેન્ડસમ થઇ જા. પરંતુ હું એવા પ્રલોભનમાં સપડાયો નહીં. હું દ્રઢપણે માનું છું કે તમારામાં પ્રતિભા હોય તો લોકો તમને પસંદ કરવાના જ. મારી ફિલ્મો ચાલી અને મને લોકોએ અભિનેતા તરીકે સ્વીકાર્યો એ હકીકત મારી માન્યતાને પુષ્ટ કરે છે' એમ અજયે એક મુલાકાતમાં કહ્યું હતું.
એણે કહ્યંુ કે તદ્દન સ્વાભાવિક રીતે અને કુદરતી રીતે તંદુરસ્ત રહેવામાં હું માનું છું. યોગ્ય વર્ક આઉટ, યોગ્ય આહાર વિહાર અને પૂરતી ઊંઘ તંદુરસ્ત રહેવામાં ઘણી મદદરૃપ થાય છે. હું કૃત્રિમ રીતે સુંદર દેખાવામાં માનતો નથી. મારું જીવન મેં શિસ્તબદ્ધ રીતે ગોઠવી દીધું છે અને એ રીતે હું સતત ફિટ રહું છું. માત્ર બાહ્ય દેખાવથી તમે લાંબો સમય કોઇને આકર્ષી શકો નહીં.
એણે વધુમાં કહ્યું કે મને ગ્રેસફૂલી પ્રૌઢ કે વયસ્ક થવામાં રસ છે. તમે વધી રહેલી ઉંમરને રોકી ન શકો પરંતુ શિસ્તબદ્ધ જીવન દ્વારા તાજામાજા તો રહી શકો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XCylYv
via Latest Gujarati News
0 Comments