કૈલાસ- માનસરોવર યાત્રાના આરંભની ઘોષણા કરતા વિદેશપ્રધાન


(પીટીઆઈ) નવીદિલ્હી, તા. 11 જૂન, 2019, મંગળવાર

દેશના શિવભક્તો માટે આ વર્ષની કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ થયો છે. બે રૂટ પૈકી લિપુલેખ (ઉત્તરાખંડ) રૂટ પરથી શરૂ થયેલા આ યાત્રામાં ૬૦ યાત્રાળુઓનું એક  એવા ૧૮ જૂથ સામેલ થશે, અન્ય રૂટ છે નાથુલા (સિક્કિમ) કે જેમાં ૫૦ યાત્રીઓની ૧૦ બેચ રહેશે.બે લાયઝન અધિકારીઓ યાત્રાળુઓને મદદ માર્ગદર્શન પૂરા પાડશે.

યાત્રાળુઓએ યાત્રાના ભાગરૂપે પ્રતિકૂળ હવામાન અને ખાડા ટેકરાવાળી જમીન સહિતના મુશ્કેલ સંજોગોમાં ૧૯,૫૦૦ ફીટની ઉંચાઈએ ચઢાણ કરવાનું હોય છે. શારીરિક અને તબીબી દ્રષ્ટિએ ચુસ્ત- દુરસ્ત ના હોય એવા લોકો માટે આ પ્રકારનો પ્રવાસ જોખમી બની રહેવાની શક્યતા છે.

આ વર્ષની કૈલાસ- માનસરોવર યાત્રા માટે ૨૨૫૬ પુરૂષ, જ્યારે ૭૪૦ સ્ત્રી યાત્રાળુ સહિત ૨૯૯૬ યાત્રાળુઓએ  અરજી કરી ૬૨૪ વરિષ્ઠ નાગરિકો પણ આ યાત્રા કરવા ઈચ્છે છે. ઈન્ડો- તિબેટન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના સહયોગથી  યોજાતી આ યાત્રાના સફળ આયોજનમાં ઉત્તરાખંડ, દિલ્હી અને સિક્કિમ રાજય સરકારોનો સહયોગ મળી રહ્યો છે. કુમાઓન મંડલ વિકાસ નિગમ, સિક્કિમ પ્રવાસન વિકાસ નિગમ અને એમના સંલગ્ન જૂથો ભારતમાંથી યાત્રા માટે લશ્કરી મદદ અને સુવિધાઓ પૂરી પાડે છે.

વિદેશ પ્રધાન એસ.જયશંકરે અત્રેના જવાહરલાલ નહેરૂ ભવન ખાતે આજે આ યાત્રાના આરંભની ઘોષણા કરતા યાત્રાને ભારત-ચીન વચ્ચે નાગરિકોના વિનિમય પ્રક્રિયા તેમજ બંને દેશો વચ્ચેની મૈત્રી અને સમજદારીને મજબૂત બનાવવાની દિશામાં એક ' મહત્વપૂર્ણ ડગલું' ગણાવી છે. ૧૯૮૧માં શરૂ થયેલી આ શ્રધ્ધેય યાત્રામાં લોકોનો ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહ્યો છે.

પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના (ચીન) સરકાર દ્વારા પૂરા પડાઈ રહેલા સહયોગને પણ જયશંકરે બિરદાવ્યો છે. એમણે યાત્રીઓને યાત્રાના ધારાધોરણોનો ચુસ્ત અમલ કરવા અનુરોધ કર્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યાત્રાની પ્રથમ બેચના અનેક યાત્રાળુઓએ  ભાગ લીધો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2F2KMFG
via Latest Gujarati News

Post a Comment

0 Comments