
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 11 જૂન, 2019, મંગળવાર
લોકસભાના સ્પીકર તરીકેના મજબૂત દાવેદાર મનાતા ભાજપના સાત વખતના સાંસદ વિરેન્દ્ર કુમારને આજે પ્રો-ટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા જેઓ હવે સંસદના નીચલા ગૃહમાં ચૂંટાઇ આવેલા તમામ સાંસદોને શપથ લેવડાવશે, એમ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. ઉપરાંત લોકસભાના સભ્યો ભૃતહરી મેહતાબ, કોડિકુનેલ સુરેશ અને બ્રિજભુષણ શરણ સિંહને રાષ્ટ્રપતિએ તમામ સભ્યોના શપથ લેવડાવવા માટે પસંદ કર્યા હતા.
આઠ વખતના સાંસદ મેનકા ગાંધી સૌથી વરિષ્ઠ સાસંદ હોવાના નાતે આ હોદ્દા માટે સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ ભાજપે કુમારને પસંદ કર્યા હતા જેઓ અગાઉની મોદી સરકારમાં એક મંત્રી હતા.
સૂત્રોએ કહ્યું હતું કે પ્રો-ટેમ સ્પીકર બનતા હવે કુમારની કાયમી સ્પીકર તરીકે રહેવાની શક્યા વધી ગઇ છે. પ્રો-ટેમ સ્પીકર તરીકે કુમાર લોકસભાની પ્રથમ બેઠકમાં અધ્યક્ષપદે રહેશે અને તમામ સભ્યોને શપથ લેવડાવશે તેમજ લોકસભાના સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયા પર નજર રાખશે.
આ બે નેતાઓ ઉપરાંત જે અન્ય નામોની ચર્ચા સ્પીકરના પદ માટે થઇ રહી છે તેમાં રાધા મોહન સિંહ, જુઆલ ઓરમ અને એસ.એસ. અહલુવાલિયાનો સમાવેશ થતો હતો.કેન્દ્રના મંત્રી અને પીઢ સાંસદ સતોષ ગંગવારના નામની પણ ચર્ચા હતા, પરંતુ તેમને મંત્રી મંડળમા સમાવતા હવે તેઓ દાવેદાર મનાશે નહીં. સૂત્રો અનુસાર ભાજપ નાયબ સ્પીકરપદ ઓડિશાના બીજેડીના કોઇ સાંસદને આપી શકે છે.
જો કે શિવસેનાએ પણ આ પદ પોતાને મળે એ માટે અત્યારથી જ દાવેદારી શરૂ કરી દીધી હતી.બીજેડી ભલે એનડીએનો ભાગ નથી, પણ છતાં મોદી તે અંગે વિચાર કરી શકે છે. કેટલીક વખતે તેણે સંસદમાં સરકારને ટેકો આપ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wNvd02
via Latest Gujarati News
0 Comments