
રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ભાજપના ઇશારે સર્વપક્ષીય બેઠક બોલાવી હોવાનો મમતાનો આક્ષેપ : જો કે બેઠક અનિર્ણિત રહી
ગૃહ મંત્રાલય અને અમિત શાહ પોતાના કાર્યકરોને સાંપ્રદાયિક તંગદિલી પેદા કરવા માટે ઉશ્કેરી રહ્યાં છે
નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર
ભાજપ બંગાળમાં સોશિયલ મીડિયા દ્વારા સાંપ્રદાયિક તંગદિલી ફેલાવી રહ્યોે છે તેમ મમતા બેનર્જીએ એક ચેેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. બંગાળના મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે મને એ જણાવતા દુખ થાય છે કે પણ આ વાત હકીકત છે કે ભાજપ જે પણ કહે છે તે નેશનલ મીડિયા એવી રીતે પ્રસારિત કરે છે કે જાણે કે તે તેનો પ્રવક્તા હોય.
મમતાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ હિંદુ મુસ્લિમમાં ભેદ રાખે છે. શું તમે દર્દીઓને હિંદુ મુસ્લિમમાં વહેંચી શકો છો. જો આવું કરશો તો ડોક્ટર, સેના, ફાયરબ્રિગેડ અને પોલીસ જેવી કોઇ પણ સેવા બચશે નહીં. તમામ ભારતવાસીઓએ એક થઇને કાર્ય કરવું જોઇએ.
શું પ્રજાએ ભાજપને ભેદભાવ કરવા માટે મત આપ્યા છે? મમતાએ આક્ષેપ કર્યો છે કે ગૃહ મંત્રાલય અને અમિત શાહ પોતાના કાર્યકરોને સાંપ્રદાયિક તંગદિલી પેદા કરવા માટે ઉશ્કેરી રહ્યાં છે. તે આ માટે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યાં છે. આ માટે તેમણે એક મોટી ટીમની રચના કરી છે. જેના પર ચૂંટણી દરમિયાન ૨૭૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
મમતાએ વધુમાં જણાવ્યું છે કે રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ભાજપના ઇશારે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પછી શરૂ થયેલી હિંસાનો અંત લાવવા રાજ્યપાલ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક અનિર્ણિત રહી હતી.
બેઠક પછી પશ્ચિમ બંગાળ ભાજપના ઉપ પ્રમુખ જયપ્રકાશ મજમુદારે જણાવ્યું હતું કે રાજ્યપાલે કેટલાક સૂચનો કર્યા હતા પણ તૃણમુલના પ્રતિનિધિએ તેને માનવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે આ માટે પક્ષ સાથે ચર્ચા કરવી પડશે. આ બેઠકમાં તૃણમુલના પ્રતિનિધિ તરીકે પાર્થ ચેટરજી હાજર રહ્યાં હતાં.
મમતાની ચેતવણી છતાં ડોક્ટરોની હડતાળ જારી
કોલકાતા, તા. ૧૩
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને ડોક્ટરોને પોતાની હડતાળ પરત ખેંચવાની ચેતવણી આપી હોવા છતાં ડોક્ટરોએ પોતાની હડતાળ ચાલુ રાખી છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે જ્યાં સુધી અમારી માગ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું. સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો થયા પછી ડોક્ટરો હડતાળ ઉતરી ગયા છે. ડોક્ટરોએ હોસ્પિટલમાં સુરક્ષા વધારવા સહિતની કેટલીક માગો સરકાર સમક્ષ મૂકી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IfaY20
via Latest Gujarati News
0 Comments