ભારત-અમેરિકાના સંબંધો નવી ઉંચાઇ પર લઇ જઇશું, મોદી હૈ તો મુમકીન હૈ : પોમ્પિઓ


ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં ઘેરવાનો અમેરિકાનો પ્લાન, પોમ્પિઓ ભારત ઉપરાંત દ. કોરિયા, જાપાન, શ્રીલંકા પણ જશે 

વોશિંગ્ટન, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ જણાવ્યું હતું કે અમેરિકા અને ભારતના સંબંધો હાલ છે તેના કરતા પણ વધુ મજબુત બનશે, સાથે તેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપનું સુત્ર મોદી હૈ તો મુમકીન હૈને પણ યાદ કર્યું હતુ, તેમણે કહ્યું હતું કે બન્ને દેશોના સંબંધો વધુ ઉંચાઇ પર લઇ જવામાં આવશે કેમ કે મોદી હૈ તો મુમકીન હૈ. પોમ્પિઓ આ મહિને ભારત આવી રહ્યા છે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને મોદીની જીત બાદ પહેલી વખત અમેરિકાના મંત્રી ભારત આવશે અને તેઓ આ દરમિયાન મોદીને મળીને અમેરિકા વતી શુભકામના પણ પાઠવશે. 

પોમ્પિઓ મોદી ઉપરાંત નવા વિદેશ પ્રધાન એસ જયશંકરને પણ મળશે. જે દરમિયાન બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબુત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કરારો પર ચર્ચા થઇ શકે છે. મોદી ઉપરાંત એસ જયશંકરના પણ અમેરિકાના વિદેશ પ્રધાને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું જોવા માગુ છું કે મોદી બન્ને દેશોના સંબંધોને વધુ મજબુત કેવી રીતે બનાવે છે. મારા સમકક્ષ એસ જયશંકરને મળવા માટે પણ આતુર છું, તેઓ મારા સારા એવા મિત્ર પણ છે. 

જોકે પોમ્પિઓ માત્ર ભારત માટે જ નથી આવી રહ્યા, તેઓ ભારત ઉપરાંત શ્રીલંકા, જાપાન, દક્ષિણ કોરિયા પણ જશે, ૨૪થી ૩૦મી જુન સુધી તેઓ આ વિવિધ દેશોનો પ્રવાસ કરશે. જોકે તેઓ ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન નહીં જાય. હાલ આ ચાર દેશો સાથે અમેરિકા સંબંધો મજબુત બનાવીને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન દ્વારા જે અવળચંડાઇ કરવામાં આવી રહી છે તેનો જવાબ આપવા માટે એક મજબુત રણનીતી અમેરિકા તૈયાર કરી રહ્યું છે, જેમાં તે ભારતની સાથે પણ એટલે જે હાલ સંબંધો મજબુત બનાવવાની કવાયતમાં હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. ચીન હાલ પુરા દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો હક હોવાના દાવા કરી રહ્યું છે જેનો વીએતનામ, ફિલિપિન્સ, મલેશિયા, બુ્રને, તાઇવાન વગેરે વિરોધ કરી રહ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zm6AE7
via Latest Gujarati News

Post a Comment

0 Comments