રોજીરોટી રઝળવાની બીકે ગર્ભાશય કઢાવી નાખતી બિડની મહિલા ખેતકામદારો


મુંબઈ,તા.13 જૂન 2019, ગુરુવાર

બિડ જિલ્લાની અનેક મહિલાઓએ તેમનાં ગર્ભાશયો કઢાવી નાખ્યાં છે. શેરડીના વાઢમાં શેરડી કાપવાનું કામ કરતી આ જિલ્લાની મહિલાઓ કેન્સરને ટાળવા તથા માસિક સ્ત્રાવ (રજોદર્શન) સમયની પીડામાંથી છૂટવા હિસ્ટેરક્ટમી (ગર્ભાશય કાઢી નાખવાની) શસ્ત્રક્રિયા કરાવવાનું પસંદ કરે છે.

તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી મહિલા આરોગ્ય પરિષદમાં હિસ્ટેરક્ટમી સર્જરી કરાવનારી મહિલાઓએ કહ્યું હતું કે માસિકધર્મ દરમિયાન પીડાથી છૂટકારો મેળવવા અમે સ્વેચ્છાએ આ શસ્ત્રક્રિયા કરાવી હતી.

આ શસ્ત્રક્રિયા કરાવવા માટેનાં કેટલાંક કારણોમાં શેરડીનાં ખેતરોના વિસ્તારમાં શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ તથા ખેતરના કામકાજમાં રજા પાડે તો દિવસ દીઠ ભરવા પડતા રૂા.એક હજારના દંડ જેવાં કારણોનો સમાવેશ થાય છે.

પ્રત્યેક મોસમ (વર્ષમાં પાંચથી છ મહિના)માં અમે રૂા.૩૮ હજારથી રૂા. ૩૫ હજાર કમાણીએ છીએ. માસિક ધર્મ દરમિયાનના ભારે રક્તસ્ત્રાવને કારણે અમે રજા લઈએ તો રોજનો રૂા.એક હજારનો દંડ અમારે ભરવો પડે, જે અમારા જેવા લોકોને પોષાય નહીં એમ આશા શિંદેએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફાઈબ્રોઈડ્ઝ કેન્સર, એન્ડોમીટ્રીઓસિસ (ગર્ભાશયની એક પ્રકારની બિમારી) ગર્ભાશયના કદની વૃદ્ધિ અથવા યોનિમાર્ગમાંથી થતા  અસાધારણ રક્તસ્ત્રાવ જેવાં કારણોસર હિસ્ટેરક્ટમી શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે.

બિડમાં વિવિધ વર્ષોમાં કરાયેલા સર્વેક્ષણના આંકડા મુજબ ૨૦૧૮માં ૨૦૦માંથી ૭૨ મહિલાઓએ આ શસ્ત્રક્રિયા કરાવી હતી. ૨૦૧૯માં ૨૭૧ મહિલાઓ પૈકી ૫૬ મહિલાઓએ ગર્ભાશય કઢાવી નાખ્યાં હતાં. જનઆરોગ્ય અભિયાનના ડૉ. અભીજીત મોરેએ કહ્યું હતું કે બિડ જિલ્લામાં આવી ઓછામાં ઓછી ૮૫ ટકા સર્જરી ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવે છે.

હેલ્થવર્કર રુકમણિ નણપુનેએ કહ્યું હતું કે અનેક ખાનગી ડૉક્ટરો કેન્સરનો ડર બતાવી ગ્રામવાસીઓને આ સર્જરી માટે રૂા.૬૦ હજારનો ખર્ચ થાય છે. અને તે માટે મહિલાઓએ લોન લેવી પડે છે.

બિડ જિલ્લાની મહિલા કામદારોની આવી ગેરકાયદે શસ્ત્રક્રિયા બાબતે તપાસની માગણી અનેક હેલ્થ ઓર્ગેનાઈઝેશનોએ કરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2N1trnl
via Latest Gujarati News

Post a Comment

0 Comments