
સ્પેસ સ્ટેશનનું વજન 20 ટન રાખવાની ગણતરી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર
ઈસરોના વડા કે. સિવને જાહેરાત કરી હતી કે ઈસરોનું આયોજન આગામી એકાદ દશકામાં અવકાશમા સ્પેસ સ્ટેશન બનાવવાનું છે. ૨૦૨૨ સુધીમાં ગગનયાનનો પ્રોજેક્ટ પૂરો થાય તે પછી આ નવા પ્રોજેક્ટનું કામ આગળ વધારાશે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જેમ ઈન્ડિયન સ્પેસ સ્ટેશન લોંચ કરવાનું ઈસરોનું આયોજન છે. ઈસરોના વડા ડો. કે. સિવને એક નિવેદનમાં આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે ગગનયાનમાં ભારતને સફળતા મળશે તે પછી ભારતનું પોતાનું અવકાશમાં સ્પેસ સ્ટેશન હોય તે દિશામાં કાર્ય શરૂ થશે.
૨૦૩૦ સુધીમાં સ્પેસ સ્ટેશન કાર્યરત થાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે, પરંતુ કોઈ નિયત સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી. ઈસરોના આયોજન પ્રમાણે ૨૦ ટન વજન હોય એવું નાનકડું સ્પેસ સ્ટેશન બનાવાશે એટલે ઓછા બજેટમાં મિશન પાર પડી શકે.
પરંતુ બજેટ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. ઈસરોના વડાએ જણાવ્યું હતું કે ગગનયાનનું મિશન પૂરુ થશે તે પછી સરકાર સમક્ષ બજેટનો પ્રસ્તાવ મૂકવામાં આવશે.
ઈસરોના વડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો હિસ્સો બનવાની ભારતની કોઈ યોજના નથી. તેના બદલે ભારતનું અલગ સ્પેસ સ્ટેશન હોય એ દિશામાં નક્કર કામગીરી થશે. તેમના કહેવા પ્રમાણે એક મોડયુલ લોંચ કરાશે અને તેની મદદથી માઈક્રોગ્રેવિટીને લગતા પ્રયોગો હાથ ધરાશે. યોજના સાકાર કરવામાં પાંચથી સાત વર્ષનો સમય લાગશે એવો અંદાજ છે.
૧૯૯૮માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કાર્યરત થયું હતું
અમેરિકા-રશિયાએ સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ ૧૯૯૮માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) લોંચ કર્યું હતું. તે પછી તેમાં જાપાન, કેનેડા, યુરોપિયન સ્પેસ એજન્સીનો પણ સહયોગ મળ્યો હતો. સંપૂર્ણ રીતે અવકાશમાં કાર્યરત હોય એવું આ એકમાત્ર સ્પેસ સ્ટેશન છે. તેના મોડયુલ અને મેઈન્ટેઈન્સનો મોટાભાગનો ખર્ચ અમેરિકા ઉઠાવે છે એટલે તેનો કંટ્રોલ પણ અમેરિકાનો જ છે. અત્યાર સુધીમાં ૧૮ દેશોના ૨૩૦ અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈ ચૂક્યા છે. સ્પેસ સ્ટેશન લગભગ પૃથ્વીથી ૪૦૦ કિલોમીટરના અંતરે છે.
ચીને પણ અત્યાર સુધીમાં બે સ્પેસ સ્ટેશન લોંચ કર્યા છે. એક ૨૦૧૧માં બે વર્ષ માટે મોકલ્યું હતું અને બીજું ૨૦૧૬માં લોંચ કર્યું હતું. પ્રથમ સ્પેસ સ્ટેશન ૨૦૧૮માં પૃથ્વી ઉપર પડી ગયું હતું. એક સ્પેસ સ્ટેશન કાર્યરત છે, પણ તેમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેટલી એક્ટિવિટી થતી નથી. ૨૦૨૨માં ચીન વધુ એક સ્પેસ સ્ટેશન લોંચ કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDW4X3
via Latest Gujarati News
0 Comments