
મોદીએ જિનપિંગને ભારત આવવા આમંત્રણ આપ્યું
મોદીએ અમેઠીમાં રાઇફલના ઉત્પાદનમાં મદદ કરવા બદલ પુતીનને મળીને આભાર માન્યો
નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં શરૂ થયેલી શાંઘાઇ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. સમિટના પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગની સાથે બેઠક યોજી હતી. જેમાં પાકિસ્તાન સાથેના સંબંધોની વાત પણ મોદીએ કરી હતી. મોદીએ જિનપિંગને કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે વાતચીત થાય તેવું પાકિસ્તાન વાતાવરણ જ ન બનાવી શક્યું.
ચીન સાથે મોદીની આ મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ જિનપિંગને હાલના ભારત અને પાકિસ્તાનના સંબંધોની જાણકારી આપી હતી. જિનપિંગ પણ એ વાત સાથે સહમત થયા કે બન્ને દેશોના સંબંધોને વધુ મજબુત કરવાની જરુર છે.
આ બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું, એવા અહેવાલો છે કે જિનપિંગે આ આમંત્રણને સ્વીકારી લીધુ છે અને તેઓ આ વર્ષે ભારત આવી શકે છે.
દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધોની ચર્ચા પણ બન્ને દેશોના વડાઓએ કરી હતી. મોદીએ જિનપિંગને જણાવ્યું હતું કે ચીન અને ભારતના સંબંધોમાં સુધારો આવ્યો છે. ભારતમાં બેંક ઓફ ચાઇનાની શાખા ખોલવામાં આવી છે. સાથે લાંબા સમયથી મસૂદ અઝહર મુદ્દે ચીને પોતાનું વલણ બદલ્યું અને ભારતની માગને સમર્થન આપી તેને આતંકી જાહેર કરવામાં મદદ કરી.
વિજય ગોખલેએ જણાવ્યું હતું કે મોદીએ જિનપિંગને જાણકારી આપી કે અમે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના અનેક પ્રયાસો કર્યા હતા. પણ તેનો કોઇ ફાયદો ન થયો કેમ કે પાકિસ્તાન એવો માહોલ જ બનાવી શક્યું કે વાતચીત શક્ય બને. જ્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીતનો માહોલ શક્ય નહીં બને.
નરેન્દ્ર મોદી આ બેઠક દરમિયાન કિર્ગિસ્તાનના પ્રમુખ સુરોનબે જીનબેકોવની સાથે પણ વાતચીત કરશે જેમાં બન્ને દેશો વચ્ચે લીગલ મેટ્રોલોજીના ક્ષેત્રમાં સહીયોગ વધારવા મુદ્દે સમજુતી થઇ શકે છે. શુક્રવારે મોદી ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે બેઠક યોજશે. મોદીએ જિનપિંગ ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે પણ બેઠક યોજી હતી, આ બેઠકમાં મોદીએ અમેઠીમાં શરૂ કરાયેલા રાઇફલના ઉત્પાદનમાં સહીયોગ બદલ રશિયાના વડા પુતિનનો આભાર માન્યો હતો.
મોદી રશિયામાં યોજાનાર ઇકોનોમિક ફોરમમાં મુખ્ય મહેમાન બનશે
મોદી હાલ કિર્ગિસ્તાનમાં છે. તેઓએ અહીં રશિયા અને ચીનના પ્રમુખ સાથે બેઠક યોજી હતી. દરમિયાન આ મહિને જાપાનના ઓસાકામાં યોજાનાર જી-૨૦ સમિટમાં પણ ચીન, રશિયા અને ભારત વચ્ચે એક વિશેષ બેઠકનું આયોજન કરાશે. પુતિન અને મોદીની બેઠકમાં બન્નેએ એકબીજાને પોતાના દેશમાં આવવા આમંત્રણ આપ્યું છે. પુતિને મોદીને રશિયામાં સપ્ટેમ્બરમાં યોજાનાર ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું જેનો મોદીએ સ્વીકાર કરી લીધો હતો.
પાકિસ્તાન નહીં પણ તુર્કમેનિસ્તાન થઇને મોદી કિર્ગિસ્તાન પહોંચ્યા
મોદીનું વિમાન પહેલા પાકિસ્તાન પર થઇને કિર્ગિસ્તાન જવાનું હતું. જોકે બાદમાં અંતીમ દિવસે જ મોદીના વિમાનનો રુટ બદલી લેવામાં આવ્યો હતો. મોદીનું વિમાન તુર્કમેનિસ્તાન, ઉજબેકિસ્તાન, તજાકિસ્તાન થઇને કિર્ગિસ્તાન પહોંચ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WOdy8g
via Latest Gujarati News
0 Comments