કોંગ્રેસના બાવન સાંસદો પણ ભાજપ સામે પુરતા, એક એક ઇંચ લડીશું : રાહુલ


નવી દિલ્હી, તા. 1 જૂન, 2019, શનિવાર

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બહુ જ ખરાબ રીતે હારી ગઇ છે. આ હાર વચ્ચે કોંગ્રેસ પ્રમુખ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામુ આપી દીધુ હતું પણ પક્ષે સ્વીકાર્યું નહીં. આ સ્થિતિ વચ્ચે નિરાશ કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવા માટે રાહુલ ગાંધીએ એક નિવેદન કર્યું હતું, કોંગ્રેસની સંસદીય સમિતીની બેઠક મળી હતી જેમાં સોનિયા ગાંધીને સમિતીએ પોતાના નેતા પસંદ કર્યા છે.

જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ આ બેઠકમાં સામેલ થયા હતા જેમાં તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે ભલે ૫૨ સાંસદ હોઇએ તો પણ ભાજપ પર ભારે પડીશું, એક એક ઇંચ લડીશુ. છેલ્લા ઘણા સમયથી હારને કારણે જે કાર્યકર્તાઓ નિરાશ હતા તેમાં રાહુલ ગાંધીએ જોશ ભરવાનો પ્રયાસ કર્યો હતો. 

શનિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આપણે ૫૨ સાંસદો પણ ભાજપ સામે લડવા માટે સક્ષણ છીએ અને લડાઇ જારી રહેશે, એક એક ઇંચ લડીશું.

બીજી તરફ સંસદીય સમિતીએ સોનિયા ગાંધીએ નેતા તરીકે પસંદ કરી લીધા છે તેથી હવે સોનિયા ગાંધીએ એ નક્કી કરવાનું રહેશે કે લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી કોને સોપવી. કર્ણાટકમાં હાલમાં સ્થાનિક કોર્પોપેશનમાં કોંગ્રેસને મળેલી જીત બાદ રાહુલ ગાંધી ફરી આક્રામક મૂડમાં આવી ગયા છે અને હવે કાર્યકર્તાઓમાં પણ જુસ્સો જગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

દરમિયાન સોનિયા ગાંધીએ સંસદીય સમિતીના નેતા બન્યા બાદ જણાવ્યું હતું કે આપણે આ પડકારની પરિસ્થિતિમાં પણ એ ન ભૂલીએ કે કોેંગ્રેસે અનેક વખત આવા ઉતાર ચડાવ જોયા છે. આપણી પાસે અગાઉ ૪૪ સાંસદો લોકસભામાં હતા તેમ છતા આપણે બહુ જ આક્રામક રીતે કેન્દ્ર સરકારની નીતીઓને ખુલ્લી પાડવામાં સફળ રહ્યા હતા.

દરમિયાન જે પણ સાંસદો, કાર્યકર્તાઓ અને નેતાઓએ સંઘર્ષ કર્યો છે તેઓ અને કોંગ્રેસને મત આપનારા ૧૨.૩ કરોડ મતદારો આભારને પાત્ર છે. રાહુલ ગાંધીએ ઘણા રાજ્યોમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબુત કરવાના પ્રયાસ કર્યા છે. જેને કારણે જ છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને જીત મળી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z9fCV5
via Latest Gujarati News

Post a Comment

0 Comments