
મુંબઈ, તા. 29 જૂન 2019, શનિવાર
વરસાદને લીધે ઝાડ તૂટવાની ઘટના વધી ગઈ છે ત્યારે અંબરનાથમાં ઝાડ તૂટીને રિક્ષા પર પડતા એક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ રિક્ષાચાલક જખમી થયા હતા. ઝાડ સાથે વાયર પણ તૂટી પડતા રિક્ષા ડ્રાઈવરને કરંટ લાગ્યો હોવાનું કહેવાય છે.
બીજી તરફ આ મામલામાં સંબંધિત અધિકારી સામે કાર્યવાહીની રિક્ષા સંગઠને માગણી કરી હતી. આ સિવાય થાણેમાં અન્ય એક આવા જ બનાવમાં વીજળીનો કરંટ લાગતા ૪૬ વર્ષીય શખસે જીવ ગુમાવ્યો હતો. પોલીસે આ બંને મામલાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
અંબરનાથ રેલવે સ્ટેશનની બહાર શિવાજીનગર રિક્ષા સ્ટેન્ડ છે. અહીં વરસાદ અને સૂસવાટાભર્યા પવનને લીધે ઝાડ તૂટીને ઈલેકટ્રીક વાયર સાથે રિક્ષા પર પડયું હતું. જેને લીધે ૨૨ વર્ષીય રિક્ષા ચાલક વિષ્ણુનું કરંટ લાગતા અને ગંભીર ઈજા થતા મોત થયું હતું. આ બનાવમાં પાંચ રિક્ષા ચાલક જખમી થયા હતા. ઈજાગ્રસ્તમાંથી એકની તબીયત નાજુક છે.
આ ઝાડ કાપવા માટે અનેક વખત કહ્યું હતું. પણ તેના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આથી આ ઘટના બની હતી. આ કેસમાં દોષી અધિકારી સામે કાર્યવાહી કરવાની રિક્ષા સંગઠને માગણી કરી હતી. રિક્ષા ચાલકને નુકસાનીનું વળતર આપવાની માગણી પણ કરાઈ હતી. રિક્ષા સંગઠને રિક્ષા બંધ રાખવાનો નિર્ણય લેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
આ ઉપરાંત થાણેના રાબોડી વિસ્તારમાં ઝાડ સાથે વાયર તૂટી પડવાની અન્ય એક ઘટનામાં કરંટ લાગતા ૪૬ વર્ષીય નાગેશ નિરંગે કાળનો કોળીયો બની ગયો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RPoHzS
via Latest Gujarati News
0 Comments