
આ પાંચ કંપનીઓમાં સુપર કોમ્પ્યુટર બનાવનારી સુગોન અને તેની ત્રણ પેટા કંપનીઓ પણ સામેલ છે
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.22 જૂન, 2019, શનિવાર
અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને સુપર કોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં કાર્ય કરતી પાંચ ચાઇનીઝ જૂથોને બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે. અમેરિકાના વાણિજય વિભાગે શુક્રવારે આ કાર્યવાહી કરી હતી.
અમેરિકાના આ નિર્ણયને કારણે આગામી સપ્તાહમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે થનારી મંત્રણામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.
વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો ચીન અને અમેરિકા વેપાર સંબધિત વિવાદોમાંથી પસાર થઇ રહ્યાં છે. વિવાદ ઉકેલવા માટે બંને દેશોના પ્રમુખની બેઠક થઇ રહી છે. આ પાંચ કંપનીઓમાં સુપર કોમ્પ્યુટર બનાવનારી સુગોન પણ સામેલ છે.
સુગોન કંપનીનો બિઝનેસ અમેરિકાની કંપનીઓ ઇન્ટેલ, એનવીડિયા અને એડવાન્સ માઇક્રો ડિવાઇસ જેવી કંપનીઓના ઉપકરણો પર આધારિત છે.
સુગોનની ત્રણ પેટા કંપનીઓને પણ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવી છે. આ ઉપરાંત વુક્સી જિયાંગનન ઇન્સ્ટીટયૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજીને પણ આ યાદીમાં નાખવામાં આવી છે.
અમેરિકાના વાણિજય વિભાગના જણાવ્યા અનુસાર આ કંપનીઓની પ્રવૃત્તિઓ અમેરિકાની વિદેશ નીતિના હિતો અને રાષ્ટ્રીય સુરક્ષાની વિરુદ્ધ છે.
અમેરિકાના જણાવ્યા અનુસાર સુગોન અને વુકસી પર ચીનની સંશોધન સંસ્થાનો માલિકી હક છે. આ ચીનની સેનાના આધુનિકીકરણમાં મદદ કરનારા આગામી પેઢીના વધુ ક્ષમતા ધરાવતા કોમ્પ્યુટિંગના વિકાસ સાથે સંલગ્ન છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X2xjZB
via Latest Gujarati News
0 Comments