પશ્ચિમ બંગાળના ભાતપરામાં ફરી હિંસા ભડકી, અનેક ઘાયલ: પોલીસનો લાઠીચાર્જ


કોલકાતા, તા.22 જૂન, 2019, શનિવાર

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસાની ઘટના સામે આવી રહી છે. અહીંના ભાતપરામાં હિંસાને પગલે પરિસ્થિતિ વધુ તંગદીલ બની ગઇ છે. જેને પગલે ફરી અહીં ૧૪૪ લાગુ કરી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. 

કેટલાક વિસ્તારોમાં સુચના છતા હિંસા કાબુમાં ન આવતા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડયો હતો આ ઉપરાંત આંસુ ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. દરમિયાન હિંસાખોરોએ પથ્થરમારો કરતા અનેક પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા. ગુરુવારે અહીં હિંસા ફાટી નીકળી હતી જેમાં બે લોકો માર્યા ગયા હતા. ટીએમસી અને ભાજપના સમર્થકો અને કાર્યકર્તાઓ આ હિંસામાં સામેલ હોવાના અહેવાલો છે. જોકે બન્ને એકબીજા પર હિંસાના આરોપો લગાવી રહ્યા છે. 

ગુરુવારે જે હિંસાની ઘટના સામે આવી હતી તેમાં બેના મોત નિપજ્યા હતા, આ ઘટનાની તપાસ માટે ટીએમસી અને ભાજપ બન્નેએ પોત પોતાનું ડેલિગેશન ભાતપરા મોકલ્યું હતું. જેણે પોતાનો રિપોર્ટ તૈયાર કરીને એકબીજા પર માછલા ધોયા હતા. ભાજપે દાવો કર્યો હતો કે જે બે લોકો માર્યા ગયા હતા તેઓ ભાજપ સાથે સંકળાયેલા હતા અને પોલીસના ગોળીબારમાં મોત નિરજ્યું હતું.

જોકે એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે હિંસામાં સામેલ બન્ને પક્ષો દ્વારા સામસામે ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં આ મોત નિપજ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે કેટલાકની અટકાયત પણ કરાઇ છે. બીજી તરફ શનિવારે ફરી હિંસા ભડકી હતી પરીણામે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IyxenM
via Latest Gujarati News

Post a Comment

0 Comments