
મે મહિના પછી જુન મહિનામાં ગરમીનું જોર યથાવત રહયું છે અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર કરી ગયો છે. ગરમીથી બચવા માટે એર કન્ડીશન્ડ (એ.સી) નો વપરાશ દિન પ્રતિદિન વધતો જાય છે પરંતુ એસી જ તાપમાન વધવાનું કારણ બની છે. તે રુમમાં તો ઠંડક આપે છે પરંતુ તેની બહાર ગરમી વધારે છે.
નિષ્ણાતોનું માનવું છે કે જયાં વધુ વૃક્ષો હોય છે ત્યાં મહત્તમ તાપમાન ૫ થી ૬ ડિગ્રી જેટલું ઓછું રહે છે આથી સરેરાશ ૪૨ ડિગ્રી તાપમાન વૃક્ષોની આસપાસ ઘટીને ૩૭ થી ઓછું થઇ જાય છે. આવા સંજોગોમાં એસીની જરુરીયાત ૪૦ ટકા ઘટી જાય છે. વૃક્ષોના થડ પાનમાં ભેજનું પ્રમાણ હોય છે. વૃક્ષના પાનમાંથી નિકળતો ભેજ તાપમાનને નિયંત્રણમાં રાખે છે. વૃક્ષો પ્રદૂષણ અને તાપમાન ઘટાડવામાં સહાયક બને છે. વધતા જતી ગરમી માટે રહેણી કહેણી વધુ જવાબદાર છે. સિમેન્ટના પાકા મકાનો અને કોંક્રિટના રોડ બનવાથી મકાન દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશની ગરમીનું શોષણ કરે છે અને ત્યાર પછી રાત્રે ગરમી છોડવા લાગે છે આથી તાપમાન વધતું રહે છે.
શહેરી વિસ્તારોના સિમેન્ટ કોંકિટના જંગલોમાં આ રીતે બે થી ચાર ડિગ્રી તાપમાન વધુ રહેવાથી એસીની જરુર પડે છે. એસી મકાનને ઠંડુ તો કરે છે પરંતુ તેની સાથે આસપાસ તાપમાનમાં વધારો કરે છે. સામાન્ય રીતે એસીનું સરેરાશ ૨૫ ડિગ્રી તાપમાન વધારે અનુકુળ રહે છે જો ૧૭ થી ૨૦ ડિગ્રી તાપમાન સેટ કરવામાં આવે તો વીજળીનો વપરાશ પણ વધારે થાય છે. એસીમાં ઉપયોગમાં લેવામાં આવતો કલોરોફલોરા કાર્બન ગેસ ગ્લોબલ વોર્મિગ માટે ખૂબજ ખતરનાક છે. ખાસ કરીને જયાં વૃક્ષો નથી અને મોટી સંખ્યામાં બહુમાળી ઇમારતો અને સિમેન્ટના ગીચ મકાનો હોય છે જયાં વૃક્ષો નથી પરંતુ માત્ર મોટી સંખ્યામાં એસી ધમધમે છે ત્યાં તાપમાન વધુ હોવું સ્વભાવિક છે.એસીનો જો આ રીતે બેફામ ઉપયોગ થતો રહેશે તો ઓકસીજનની પણ તંગી ઉભી થાય તેવી શકયતા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X6W9a6
via Latest Gujarati News
0 Comments