
(પીટીઆઇ) શ્રીનગર, તા. 11 જૂન, 2019, મંગળવાર
પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કરવાનું ચાલુ રાખ્યું છે. પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના કથુઆ જિલ્લામાં આતંરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલી ચોકીઓને નિશાન બનાવી હતી. જેના કારણે બીએસએફને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જો કે પાકિસ્તાની સેનાના ગોળીબારથી ભારતીય વિસ્તારમાં કોઇ નુકસાન થયું ન હતું.
પૂંચ જિલ્લાના સાલોત્રી ફોરવર્ડ એરિયામાં અંકુશ રેખા પાસે પાકિસ્તાનના ગોળીબાર અને મોર્ટારમારામાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય ત્રણ ઘાયલ થયા હતાં.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં આઇએસની વિચારધારાથી પ્રભાવિત થયેલા બે સ્થાનિક આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આતંકી છૂપાયા હોવાની ચોક્કસ બાતમી મળ્યા પછી વહેલી સવારે શોપિયાંના અવનિરા વિસ્તારને સુરક્ષા દળોને ઘેરી લઇ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીઓ છોડતા સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓના મોત થયા હતાં. એન્કાઉન્ટરના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂ ગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
મૃત્યુ પામેલા આતંકીઓની ઓળખ કુલગામના રહેવાસી સાયર અહેમદ ભાટ અને શોપિયાંના અવનિરાના રહેવાસી શાકરી અહેમદ વાગય તરીકે કરવામાં આવી છે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ રેકોર્ડ અનુસાર મૃત્યુ પામેલા બંને આતંકીઓ આઇએસની વિચારધારાથી પ્રભાવિત હતાં અને તેઓ સુરક્ષા એકમો સહિતના સ્થળોને નિશાન બનાવવા માગતા હતાં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2R5cEhg
via Latest Gujarati News
0 Comments