હાર્લે ડેવિડસન મોટરસાયકલ પર ભારતની 50 ટકા ડયૂટી અસ્વીકાર્ય : ટ્રમ્પ


મારા નેતૃત્ત્વમાં કોઇ પણ દેશ અમેરિકાને મૂર્ખ બનાવી શકશે નહીં : ટ્રમ્પ  

અમેરિકા ભારતની મોટરસાયકલો પર ડયૂટી વસૂલ કરતું ન હોવાથી ભારત પણ હાર્લે ડેવિડસન પર ડયૂટી શૂન્ય કરે 

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 11 જૂન, 2019, મંગળવાર

વડાપ્રધાન મોદી સાથેની બેઠક અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્લે ડેવિડસન મોટરસાયકલ પર ભારતની ઉંચી આયાત ડયુટીની ટીકા કરતા જણાવ્યું છે કે આ ડયુટી કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. જો કે આયાત ડયુટી ૧૦૦ ટકાથી ઘટાડી ૫૦ ટકા કરવા બદલ ટ્રમ્પે પોતાના સારા મિત્ર મોદીની પ્રશંસા કરી છે. 

ઉલ્લેખનીય છે કે ૨૮ અને ૨૯ જૂને જાપાનના ઓસાકામાં જી-૨૦ શિખર મંત્રણા દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે મંત્રણા થવાની છે. આ અગાઉ ટ્રમ્પ અનેક વખત ભારતને ટેરિફ કિંગ ગણાવી ચૂક્યા છે અને ભારતની વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાની ધમકી આપી ચૂક્યા છે. 

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના નેતૃત્ત્વમાં કોઇ પણ દેશ અમેરિકાને મૂર્ખ બનાવી શકશે નહીં. આપણે એટલા મૂર્ખ નથી કે અમેરિકાને કોઇ લાંબા ગાળા સુધી મૂર્ખ બનાવી શકે. તમે ભારતને જૂઓ. મોદી મારા સારા મિત્ર છે. ભારત અમેરિકાની મોટર સાયકલ પર ૧૦૦ ટકા આયાત ડયુટી નાખે છે. શું તે યોગ્ય છે? 

ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અમેરિકાની મોટર સાયકલ હાર્લે ડેવિડસન પર આયાત ડયુટી શૂન્ય કરે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે ભારત અમેરિકાની મોટર સાયકલ પર ૧૦૦ ટકા આયાત ડયુટી નાખે છે જ્યારે ભારતની મોટર સાયકલો પર અમેરિકામાં કોઇ ડયુટી વસૂલ કરવામાં આવતી નથી.

આ એક  અસ્વીકાર્ય બાબત છે જે લાંબા સમય સુધી ચલાવી લેવાય તેમ નથી.  ટ્રમ્પે જણાવ્યું છે કે મારા એક ફોનથી મોદીએ હાર્લે ડેવિડસન બાઇક પરની આયાત ડયુટી ઘટાડી ૫૦ ટકા કરી હતી. જો કે આ હજુ પણ અસ્વીકાર્ય છે કારણકે અમેરિકા ભારતની મોટરસાયકલ પર કોઇ ડયુટી નાખતું નથી



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X8qUew
via Latest Gujarati News

Post a Comment

0 Comments