
પ્રવાસી મહત્તમ 30 દિવસ અવકાશમાં રહી શકશે : 2020થી શરૂઆત થશે
વૉશિંગ્ટન, તા. 11 જૂન, 2019, મંગળવાર
અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ આવતા વર્ષથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આંતરરાષ્ટ્રીય અવકાશ મથક) પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવાનું નક્કી કર્યું છે. અવકાશ મથક એ પૃથ્વીથી સરેરાશ ૪૦૦ કિલોમીટર ઊંચે રહીને ફરતી એક કદાવર પ્રયોગશાળા છે. અત્યાર સુધી તેનો ઉપયોગ માત્ર સંશોધન માટે જ થતો રહ્યો છે.
પરંતુ હવે તેમાં પ્રવાસીઓ જઈ શકે એ માટે નાસાએ દરવાજા ખૂલ્લાં કર્યા છે. કોઈને આ પ્રવાસમાં રસ હોય તો આવવા-જવા માટે ૫.૮ કરોડ ડૉલર (૪૦૩ કરોડ રૂપિયા)ની ટિકિટ લેવાની રહેશે.
એ ઉપરાંત ત્યાં એક દિવસ (૨૪ કલાક)ના રોકાણના બીજા ૩૫ હજાર ડૉલર (૨૫ લાખ) રૂપિયા ચૂકવવાના થાય. એટલે કોઈ પ્રવાસી માત્ર એક દિવસ માટે પણ સ્પેસ સ્ટેશનની સફરે જાય તો અંદાજિત ખર્ચ ચારસો કરોડથી થોડો વધારે થાય.
૧૯૯૮માં શરૂ થયેલું સ્પેસ સ્ટેશન કુલ મળીને ૧૬ દેશોનું સાહસ છે. તેમાં અમેરિકા-રશિયા અને યુરોપના દેશો મુખ્ય ભાગીદાર છે. અત્યાર સુધી આ સ્ટેશનનો ઉપયોગ અવકાશી સંશોધનો માટે જ થતો રહ્યો છે. પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૫ના વર્ષથી સ્પેસ સ્ટેશન માટે ફંડ આપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
એ સંજોગોમાં સ્પેસ સ્ટેશનના ખર્ચને પહોંચી વળવા માટે નાસાએ ખાનગી પ્રવાસીઓ માટે લાલ જાજમ બિછાવી છે. અલબત્ત, ગમે તે ધનપતી પ્રવાસ નહીં કરી શકે. એ માટે શારિરીક અને માનસિક ફીટનેસની આકરી ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
અમેરિકાની બે જાણીતી સ્પેસ ટેકનોલોજીમાં કામ કરનારી કંપનીઓ સ્પેસ-એક્સ અને બોઈંગને નાસાએ આ પ્રવાસની કામગીરી સોંપી છે. પ્રવાસીઓને સવારી કરાવી શકાય એવી કેપ્સ્યુલ આ બન્ને કંપનીઓએ તૈયાર કરી છે. નાસા વર્ષમાં બે વખત સ્પેસ પ્રવાસ યોજશે. પ્રવાસમાં જનારા પ્રવાસીઓ ત્યાં મહત્તમ ૩૦ દિવસ રહી શકશે. નાસાના આ સાહસથી સ્પેસ ટુરિઝમ અને સ્પેસ એક્સપ્લોરેશનને વેગ મળશે. સાથે સાથે સ્પેસમાં ખાનગી કંપનીઓનું મહત્ત્વ પણ વધશે.
સ્પેસ સ્ટેશન હવે જૂનું થઈ રહ્યું છે. જ્યારે નાસાનું ફોકસ ૨૦૨૪ સુધીમાં ફરીથી સમાનવ ચંદ્રયાત્રા યોજવા પર અને ભવિષ્યમાં મંગળ પર અવકાશયાત્રીઓ મોકલવાની દિશામાં છે. માટે નાસા આ પ્રકારની જવાબદારી ધીમે ધીમે ઓછી કરવા માંગે છે. રશિયાના ઉદ્યોગપતી ડેનિસ ટીટો ૨૦૦૧માં સ્પેસ સ્ટેશનની મુલાકાતે જનારા પ્રથમ પ્રવાસી બન્યા હતા. એ માટે તેમણે ત્યારે ૨ કરોડ ડૉલરનો ખર્ચ કર્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2F3Sobk
via Latest Gujarati News
0 Comments