
કાંઠાના વિસ્તારોમાં આજથી લોકોનું સ્થળાંતર કરાશે
પાણી ઉલેચવા ૧૦૦થી વધુ ડિવોટરીંગ પમ્પ મોકલવા તૈયારીઓ, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓની રજા રદ
સૂકા નાસ્તાના પાંચ લાખ ફુડ પેકેટ્સ તૈયાર કરાયાં
કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ શરૂ
NDRF-SDRFની ૪૬ ટીમો, આર્મીની ચાર ટીમો રવાના
કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટરો પાસે મહેસૂલ સચિવે રિપોર્ટ માંગ્યો
અમદાવાદ, તા. 11 જૂન, 2019, મંગળવાર
અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ૪૦૦ કીમી દૂર વાયુ નામનંુ વાવાઝોડુ ગુજરાત તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે . વાવાઝોડાના સંભવિત સંકટને જોતાં સરકાર ઝીરો કેજ્યુલિટીના નિર્ધાર સાથે સતર્ક બની છે. ગાંધીનગરમાં વાવાઝોડાનો સામનો કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ બેઠક યોજી સમગ્ર ેપરિસ્થિતીની સમિક્ષા કરી હતી અને અધિકારીઓને જરુરી માર્ગદર્શન આપ્યુ હતું.
દિવસભર પાટનગરમાં બેઠકોમાં દોર જામ્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લા કલેકટર ઉપરાંત કર્મચારીઓને વિડીયો કોન્ફરન્સીંગથી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.એનડીઆરએફ, આર્મી ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની રેસ્ક્યૂ ટીમોને દરિયાકાંઠાના વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતી પર કેન્દ્ર અને રાજ્ય સરકારે નજર રાખી છે .
મંગળવારે પાટનગર ગાંધીનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રીની સૂચના મુજબ ડૉ.જે.એન.સિંઘના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી જેમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા ઉપરાંત રાહત કમિશ્નર, મહેસૂલ અગ્રસચિવ સહિત સેનાના ત્રણેય પાંખના અધિકારી, હવામાન વિભાગ અને ઇસરોના અધિકારી પણ હાજર રહ્યાં હતાં. બેઠકમાં સંભવિત પરિસ્થિતીનો કેવી રીતે સામનો કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી એક્શન પ્લાન ઘડાયો હતો.
સંભવિત વાવાઝોડાનો સામનો કરવા નેશનલ ડિઝાસ્ટર રેસ્કયૂ ફોર્સની ૧૫ ટીમ ઉપરાંત પંજાબના ભટિંડા અને રાજસ્થાનના અજમેર ઉપરાંત પૂનાના બોલાવાયેલી ૧૧ વધારાની ટીમો પણ કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવી છે. મરીન સિક્યોરિટી ફોર્સ ઉપરાંત એસડીઆરઆફની ય ૧૧ ટૂકડી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. જામનગર, ભાવનગર , સોમનાથ, મોરબી ,અમરેલી ,જૂનાગઢ સહિતના વિસ્તારોમાં એનડીઆરફી ટીમો તૈનાત કરવામાં આવી છે.
રાજય મહેસૂલ વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના જીલ્લા કલેક્ટરો પાસેથી બપોર સુધી રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટ આધારે આવતીકાલે ગામડાઓ ખાલી કરાવવાનો નિર્ણય લેવા નક્કી કરવામાં આવ્યુ છે.
મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ યોજીને સૌરાષ્ટ્ર - કચ્છના કલેક્ટરો-અધિકારીઓને માર્ગદર્શન પણ પુરુ પાડયુ હતું . તમામ જીલ્લાઓમાં કંટ્રોલરુમ પણ શરુ કરી દેવામાં આવ્યાં છે. વાવાઝોડુ આવે ત્યારે શું તકેદારી રાખવી તે અંગે લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. રાજ્ય પુરવઠા વિભાગે પાણીના પાઉચો સહિત સૂકાના નાસ્તાના પાંચ પેકેટ્સ તૈયાર કરી દીધાં છે
વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આ જોતાં પાણી ઉલેચવા માટે ૧૦૦થી વધુ ડિવોટરીંગ પમ્પો પણ મોકલવા તૈયારીઓ શરુ કરાઇ છે. ૧૨મી જૂને સવારથી નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર શરુ કરવામાં આવશે. રાજ્ય સરકારે જીલ્લા કલેક્ટરોને શેલ્ટરહોમ, પીવાના પાણી ઉપરાંત આરોગ્યની સુવિધા મળી તેવી વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે.
હાલમાં પોરબંદર, વેરાવળના દરિયાકિનારે બે નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. માછીમારોને વાયરલેસથી મેસેજ મોકલી દરિયામાંથી પરત બોલાવાયાં છે. રાજ્યના મત્સ્યઉદ્યોગે દરિયામાં હવે એકપણ બોટ કે માછીમાર નથી તેવો દાવો કર્યો છે. બોટોને પણ સલામત સ્થળે લાંગરવા સૂચના આપવામાં આવી છે.વાવાઝોડાની સ્થિતીને જોતાં પ્રવાસીઓને પણ દરિયાકિનારે કે બીચ પર ફરવા ન જવા સલાહ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કલેક્ટરોને સંબધિત વિભાગો સાથે સકલનમાં રહીને લોકોને આ સંજોગોમાં સાવચેત કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને ય જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ,દવાઓ સાથે સજ્જ રહેવા તાકીદ કરાઇ છે. રસ્તા,મકાનો,વૃક્ષો અને વિજળીના થાંભલાઓને નુકશાન ન પહોંચે તે માટે વિભાગોને સજ્જ કરવામાં આવ્યાં છે.
સ્થિતીને જોતાં રાજ્ય આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગ, ગૃહવિભાગ સહિત અન્ય વિભાગના અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આમ,વાયુ વાવાઝોડાના સંકટનો સામનો કરવા રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાન મુજબ તમામ તૈયારીઓ કરી લીધી છે.ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણી સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી રહ્યાં છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪.૫ લાખ SMS મોકલી માછીમારો,ખેડૂતો, લોકોને સજાગ કરાયાં
રાજ્ય સરકારે વાવાઝોડા અંગે લોકોમાં જનજાગૃતિ કેળવાય ,સંભવિત વાવાઝોડામાં સલામત રહે તે માટે જાણકારી આપવા સોશિયલ મિડીયાનો સહારો લીધો છે. ૧૩મી જૂને વહેલી સવારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પરથી વાયુ વાવાઝોડુ પસાર થવાનુ છે ત્યારે રાજ્ય સરકારના વિવિધ સંબધિત વિભાગો વોટ્સએપ ગુ્રપ અને એસએમએસ મોકલીને લોકોને વાવાઝોડાથી બચવા શું કરશો તેની માહીતી મોકલી છે. અત્યાર સુધીમાં સાડા ચાર લાખ એસએમએસ માછીમારો, ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મોકલાયાં છે. વાવાઝોડુ આવે ત્યારે સંદેશાવ્યવહાર યથાવત રહે તે માટે સરકારે મોબાઇલ કંપનીઓને પણ સૂચના આપી છે. મોબાઇલ ટાવર ૨૪ કલાક કાર્યરત રહે. સંદેશોવ્યવહાર ખોરવાય નહી તે માટે પણ આગોતરુ આયોજન કરાયુ છે.
કેન્દ્ર સરકારે તમામ સહાય કરવા ખાતરી આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય કેબિનેટ સચિવે સમીક્ષા કરી
કેન્દ્રીય કેબિનેટ સચિવે મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ કરી સ્થિતીનો તાગ મેળવ્યો
અમદાવાદ, તા. 11 જૂન, 2019, મંગળવાર
સંભવિત વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. વાયુ વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકશે તેવી હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર તંત્ર સક્રિય બન્યુ છ. પાટનગર ગાંધીનગરમાં દિવસભર બેઠકોનો દોર જામ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુદ વાવાઝોડાની સ્થિતી પર નજર રાખી માહિતી મેળવી હતી. આ ઉપરાંત ગુજરાતને શક્ય તમામ મદદ કરવા ખાતરી આપી હતી.
કેબિનેટ સચિવે પણ રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. વાયુ વાવાઝોડા પર કેન્દ્ર સરકારની ચાંપતી નજર છે. વાવાઝોડાને પગલે હાલમાં લશ્કરની ૩૪ ટીમો ગુજરાત રવાના કરાઇ છે. આ ઉપરાંત રાજસ્થાન-પંજાબમાંથી એનડીઆરએફની વધારાની ૧૧ ટીમો ય અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે.
મોડી સાંજે ખુદ મુખ્યમંત્રી રુપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વાવાઝોડાનો સામનો કરવા વહીવટી તંત્રે શું તૈયારીઓ કરી છે તે અંગે સમિક્ષા કરી હતી અને અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી.
વિદ્યાર્થીઓની સલામતી ખાતર સરકારનો નિર્ણય
૧૨-૧૩મી જૂને કચ્છ- સૌરાષ્ટ્રની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઇ
અમદાવાદ, તા. 11 જૂન, 2019, મંગળવાર
વાયુ વાવાઝોડુ અરબી સમુદ્રથી ગુજરાત તરફ આગળ ધપી રહ્યુ છે. ૧૩મી જૂને વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકશે. આ સભવિત વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને ભારે અસર પહોંચાડે તેવી ભીતિ છે જેના પગલે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાની શાળા કોલેજોમાં બે દિવસની રજાઓ જાહેર કરી છે.
વાવાઝોડુ ગુજરાતના અગિયાર જિલ્લાઓને અસર કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજ્મેન્ટના પ્લાન અનુસાર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સરકારે ત્રણ દિવસ આયોજીત પ્રવેશોત્સવ પણ રદ કરી દીધો છે. આ ઉપરાંત ૧૨,૧૩મી જૂને સૌરાષ્ટ્રના દસેક જીલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી ,ભાવનગર,કચ્છ, મોરબી અને જામનગર જીલ્લાઓની શાળા કોલેજોમાં બે દિવસ રજા રહેશે.
વાવાઝોડાને પગલે ભાવનગર રો રો સર્વિસ બંધ કરાઇ
સંભવિત વાવાઝોડુ ભાવનગરને પણ અસર કરી શકે છે. આ શક્યતાને જોતાં ભાવનગર જીલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે.
ખાસ કરીને ભાવનગરના દરિયામાં શરુ કરાયેલી રો રો સર્વિસને તાકીદે બંધ કરી દેવામાં નિર્ણય લેવાયો છે. ભાવનગરથી હજીરા પોર્ટ સુધી ચાલતી રો રો સર્વિસ હવે ૧૨-૧૩મી જૂને બંધ રહેશે.
વાવાઝોડુ પસાર થયા બાદ પરિસ્થિતી થાળે પડયાં બાદ પુ:ન ભાવનગરના સમુદ્રમાં રો રો સર્વિસ શરુ કરવામાં આવશે.
તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યાં
આજે મળનારી કેબિનેટ રદ , સાંસદો સાથેની બેઠક પણ કેન્સલ કરાઇ
વાયુ વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકશે તેવી શક્યતાને પગલે સમગ્ર સરકાર હરકતમાં આવી છે. બુધવારે મળનારી કેબિનેટની બેઠક પણ આ પરિસ્થિતીને જોતાં રદ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ સૂચના આપતાં તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યાં છે. મંત્રીઓ જીલ્લા કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન સાધીને બચાવ રાહતની કામગીરીમાં સહયોગ આપશે. આ ઉપરાંત સરકારી તંત્રને માર્ગદર્શન પુરુ પાડશે. બુધવારે મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે નવા ચૂંટાયેલાં સાંસદોની બેઠકનુ આયોજન કરાયુ હતુ. આ બેઠક પણ સંજોગોને ધ્યાનમાં લઇને રદ કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની સ્થિતી પર ખુદ મુખ્યમંત્રી નજર રાખી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WEwZ32
via Latest Gujarati News
0 Comments